ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) કોરોનાએ (Corona) ફરી માથું ઊંચક્યું છે. કોરોના અને ઓમિક્રોન (Omicron) વેરિએન્ટના કેસના મામલામાં ગુજરાત દેશમાં ટોપ ફાઈવમાં છે. હાલમાં રાજ્યમાં કેસની સંખ્યા 100ની નજીક પહોંચી ગઈ છે, જેના પગલે રાજ્ય સરકાર દોડતી થઈ છે. કોરોનાનાના વધતા સંક્રમણ અંગે ચર્ચા કરવા માટે આજે ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક (Meeting) બોલાવી હતી.
સૂત્રો અનુસાર બેઠકમાં કોરોનાને કાબુમાં રાખવા સંબંધિત કામગીરીની મુખ્યમંત્રીએ સમીક્ષા (Review) કરી હતી. હાલમાં ગુજરાતમાં રોજ 70 હજાર લોકોના કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવી રહ્યાં છે, તે ઉપરાંત ભારત સરકારની ગાઈડલાઈન (Government of India Guidelines) અનુસાર વિદેશથી (Abroad) પરત ફરતા પ્રવાસીઓના (Tourist) ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact tracing) કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરીની મુખ્યમંત્રીએ આજની બેઠકમાં સમીક્ષા કરી હતી. રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં મુખ્યમંત્રીએ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટીંગ કરાય તેમજ દૈનિક ટેસ્ટીંગની સંખ્યા વધારવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીની બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
કોરોનાના વધતા કેસો વચ્ચે વાયબ્રન્ટ સમિટનું આયોજન આશ્ચર્યજનક
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ટેસ્ટીંગ વધારવામાં આવ્યા છે ત્યાં બીજી તરફ આશ્ચર્યજનક રીતે ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ-2022નું (Vibrant Summit-2022) આયોજન કરી રહી છે. 10થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં યોજાનારી આ વાયબ્રન્ટ સમિટમાં મહેમાનો વિદેશથી આવવાના છે અને તેના કારણે સંક્રમણ વધવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
કોરોનાની ત્રીજી લહેર શરૂ: રાજ્યમાં કોરોનાના કેસ સદીની નજીક 91 પર પહોંચ્યા
રાજ્યમાં કોરોનાને ધીમેધીમે ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ નોધાયા છે. જ્યારે બે દર્દીનું મૃત્યુ પણ થયું છે. તેવી જ રીતે રાજ્યમાં આજે 41 દર્દીઓ સાજા થયા હતા. જે બે મૃત્યુ થયું છે તેમાં સુરત મનપામાં એક અને દેવભૂમિ દ્વારકામાં એક દર્દીનું મૃત્યું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91 કેસમાં અમદાવાદ મનપામાં 25, સુરત મનપામાં 16, વડોદરા મનપામાં 10, રાજકોટ ગ્રામ્યમાં 8, રાજકોટ મનપામાં 7, વલસાડમાં 6, જામનગર મનપામાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડા, વડોદરા ગ્રામ્યમાં 2-2, અમદાવાદ ગ્રામ્ય, કચ્છ, સુરત ગ્રામ્ય, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 637 થઈ છે. જેમાં 09 દર્દીએ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 628 દર્દીઓ સ્ટેબલ છે.
અમદાવાદમાં વિદેશથી આવેલી બાળકી ઓમિક્રોન પોઝિટિવ
રાજ્યભરમાં દિવસે દિવસે કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે. આજે અમદાવાદમાં વિદેશથી આવેલી એક બાળકી સહિત પાચ મહિલાઓ ઓમિક્રોનથી સંક્રમિત જણાઈ છે. આ ઉપરાંત મહેસાણામાં 2 અને આણંદમાં 2 વ્યકિત્તઓ મળીને કુલ 9 નવા ઓમીક્રોનના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 7 થઈ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનમાં 19 વ્યક્તિ સંક્રમિત થઇ છે. અમદાવાદમાં વિદેશથી આવેલી એક બાળકી અને ચાર મહિલાઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જણાય આવ્યું છે. જેમાં એક 42 વર્ષીય મહિલા તાન્ઝાનિયાથી તેમજ એક મહિલા દુબઈથી અને એક મહિલા યુકેથી આવી હોવાનું બહાર આવ્યું છે. મહેસાણામાં ઓમીક્રોનનો દર્દી અન્ય પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલો છે. આણંદમાં બે નવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટરી તપાસતાં તે બન્ને પુરૂષો તાન્ઝાનિયાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 23 પર પહોંચી
ગુજરાતમાં ઓમીક્રોનના અત્યાર સુધીમાં 23 કેસો નોંધાયા છે. જે પૈકી જામનગરના 3 અને સુરતના એક દર્દીને રજા આપી દેવાઈ છે. આમ 19 પોઝિટિવ ઓમીક્રોનના દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાવાર યાદી જોઈએ તો , જામનગરના 3 દર્દી (ત્રણેયને રજા અપાઈ ) , સુરતમાં 2 કેસ (એકને રજા અપાઈ ) ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, વડોદરા મનપામાં 3, આણંદમા 3, અમદાવાદ મનપામાં 7 અને રાજકોટમાં 1 દર્દી સારવાર હેઠળ છે. ઓમિક્રોનથી સંક્રમિત જામનગરના ત્રણ અને સુરતના 1 દર્દી સહિત ચાર દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવી જતાં તેઓ સાજા થઈ ગયા હતા. આ રીતે રાજયમાં ઓમીક્રોનના કુલ 23 કેસો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકયા છે.