મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જે બાદ BCCIએ મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેને બદલે મુંબઈમાં રમાશે. એક સાથે પાંચ કોરોના કેસ મળી આવ્યા છે. આ મામલે IPL દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
IPLએ જણાવ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સનાં 5 લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે મેચ પૂણેનાં બદલે મુંબઈમાં રમાશે. માહિતી અનુસાર, કોરોનાના કેસ આવ્યા બાદ દરેકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આઇસોલેશનના છઠ્ઠા અને સાતમા દિવસે દરેકની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
આ સભ્યોને થયો કોરોનાં
- પેટ્રિક ફરહાર્ટ (ફિઝિયો)
- ચેતન કુમાર (મસાજ થેરાપિસ્ટ)
- મિશેલ માર્શ (ખેલાડી)
- અભિજીત સાલ્વી (ડોક્ટર)
- આકાશ માને (સોશિયલ મીડિયા ટીમ)
19 એપ્રિલનો તમામનો રિપોર્ટ નેગેટિવ
16 એપ્રિલથી, દિલ્હી કેપિટલ્સના સમગ્ર કેમ્પમાં દરરોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ચોથા રાઉન્ડનો ટેસ્ટ જે 19 એપ્રિલે કરવામાં આવ્યો હતો. તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 20 એપ્રિલે સવારે આખી ટીમનું પરીક્ષણ પણ કરવામાં આવશે. અગાઉ એક નિવેદનમાં, દિલ્હી ફ્રેન્ચાઇઝીએ કહ્યું હતું કે, ‘દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર મિશેલ માર્શનો COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ થયો છે, જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ માર્શની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
બાયો-બબલમાં હાજર કેટલાક વધુ સભ્યો (સપોર્ટ સ્ટાફ)નો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જો કે તેઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો દેખાતા નથી અને મેડિકલ ટીમ તેમના પર ઝીણવટભરી નજર રાખી રહી છે.
તમામ ખેલાડીને ક્વોરેન્ટાઇન કરાયા
કોરોનાના કેસો મળતા દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. ટીમને મુંબઈમાં તાલીમ લેવા માટે કહેવામાં આવ્યું છે. BCCI એ પણ નથી ઈચ્છતું કે ખેલાડીઓ પુણે જાય જેથી કરીને ત્યાં વધુ બાયો-બબલ ભંગ ન થાય. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોની મંગળવારે સવારે નવી કોવિડ -19 ટેસ્ટ કરવામાં આવી હતી, જેના પરિણામો આવવાના બાકી છે.
બીસીસીઆઈની મુશ્કેલીઓ વધી શકે છે
IPL 2021 કોરોના મહામારીને કારણે ખૂબ પ્રભાવિત થયું હતું. પછી 4 મે 2021 ના રોજ, આઇપીએલને અધવચ્ચે સ્થગિત કરવી પડી. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રાએ કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. તે સમય દરમિયાન, લીગ મુલતવી રાખવામાં આવી ત્યાં સુધી કુલ 29 લીગ મેચો યોજાઈ હતી. હવે વર્તમાન પરિસ્થિતિને જોતા BCCIની મુશ્કેલીઓ ફરી વધી શકે છે.