પલસાણા: પલસાણા (palsana) તાલુકાના નિયોલ (Niyol) ગામે એક વોર્ડમાં જીતેલા ઉમેદવારની જગ્યાએ હારેલા ઉમેદવારને ઉપ સરપંચની (Deputy Sarpanch) ચૂંટણી (election) પ્રક્રિયામાં હાજર રહેવા માટે તાલુકા વિકાસ અધિકારીએ લેખિતમાં નોટિસ મોકલતાં આ અંગે થયેલા વિવાદમાં માત્ર બે સભ્યને છોડી બાકીના ગેરહાજર રહેતાં ઉપ સરપંચની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. પલસાણા તાલુકાના નિયોલ ગામે એક વોર્ડમાં માત્ર ૩ મતે વૃંદા તેજસ વશીને મત ગણતરી સમયે વિજેતા જાહેર કરાયાં હતાં. જેમની સામેના ઉમેદવાર કિંજલ જયેશ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ ૧૧મી ઉપ સરપંચની ચૂંટણી પ્રક્રિયા માટે પલસાણા તાલુકા પંચાયતમાંથી વિજેતા સભ્યોને જે નોટિસ આપવામાં આવી હતી. તેમાં વૃંદા વશીની જગ્યાએ હારેલાં ઉમેદવાર કિંજલ સોલંકીને નોટિસ આપવામાં આવી હતી. જેને લઇ આ મામલે વિવાદ થયો હતો. અને સરપંચ તેમજ જીલેતા ઉમેદવારોએ આ અંગે કલેક્ટરથી લઇ ચૂંટણી અધિકારી સુધી લેખિતમાં અરજી આપી આ અંગે તપાસ કરવા તેમજ હાલ ચૂંટણી મોકૂફ રાખવા જણાવ્યું હતું. તેમ છતાં ગ્રામસેવકની હાજરીમાં ઉપ સરપંચ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં કિંજલબેન તેમજ અન્ય એક સભ્ય હાજર રહ્યાં હતાં. બાકીના ગેરહાજર રહેતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આમ, નિયોલ ગામે સભ્ય પદનો વિવાદ ઊભો થયો હતો.
અંત્રોલીમાં ઉપ સરપંચ પદે અપક્ષ વિજેતા
પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બે પેનલના સરખેસરખા મત થતાં અપક્ષ તરીકે વિજય થયેલ ઉમેદવારને ઉપ સરપંચ બનાવવામાં આવ્યો હતો. અંત્રોલી ગામે સરપંચની પેનાલમાંથી ૩ સભ્ય વિજયી થયા હતા. જ્યારે હરીફમાં ચાર સભ્યો હતા. અને એક અપક્ષ તરીકે વિકી જયેશભાઇ સોલંકી ચુંટાઇને આવ્યા હતા. ત્યારે હરીફ પેનલમાંથી કલા પ્રવીણ પટેલે ઉપ સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી. જેમાં તેમના પક્ષે ૪ મત હતા. જેથી સરપંચે અપક્ષ ઉમેદવારને ટેકો આપતાં અપક્ષ ઉપ સરપંચ પદે ચુંટાઇ આવ્યો હતો.