વડોદરા : શહેર નજીક આવેલી કપૂરાઈ ગામમાં છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી દુષિત પીવાના પાણીના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ વહીવટી વોર્ડ નંબર 12 ની કચેરી ખાતે દુષિત પાણીની બોટલો સાથે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. કપુરાઈ ગામમાં આવેલા વૈરાગીનગર,બજાણીયાવાસ અને રાઠોડવાસમાં છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી પીવાનું પાણી ગટર મિશ્રિત દુર્ગંધ મારતું પાણી આવતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આ અંગે લેખિત , મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.અધિકારી ઓને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી.પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી.વિસ્તારના કાઉન્સીલરોને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં આજદિન સુધી સમસ્યાનો નિવેડો નહીં આવતાં સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ એકત્ર થઈ વોર્ડ નંબર 12 ની કચેરી ખાતે દુષિત પાણીની બોટલો સાથે દેખાવો કર્યા હતા. જોકે તેમની રજૂઆત સાંભળનાર કોઈ અધિકારી હાજર ન હોવાથી સ્થાનિક રહીશોએ ફ્લોર પર બેસી જઈ ધરણાં પ્રદર્શન કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા છેલ્લા ઘણા સમયથી ખરાબ પાણી આવી રહ્યું છે. જે પીવા લાયક અને કપડાં ધોવા લાયક પણ નથી.