ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (Assembly Speaker) શંકર ચૌધરી (Shankar Chaudhry) વિરૂદ્ધ આચારસંહિતા (Code of Conduct) ભંગની ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનિષ દોશીએ આ ફરિયાદ કરી છે. મનીષ દોશીએ ચૂંટણી પંચને વીડિયો ના પુરાવા સાથે ફરિયાદ કરી છે. જેમાં સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1ના પ્રકરણ-9ના નિયમનો ભંગ કર્યાનો આક્ષેપ છે. સાથેજ ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ૧૭ માર્ચના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ છે. દરમિયાન આચારસંહિતાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતીનો ભંગ કરવા અંગે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે. મનિષ દોશી દ્વારા શંકર ચૌધરી વિરૂદ્ધ તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરવામાં આવી છે.
કોંગ્રેસનો આરોપ છે કે વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો. વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે આ બાબતને ગંભીર ગણાવી છે.
મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 ના પ્રકરણ-9 ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. કે જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી.