નડિયાદ: નડિયાદમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી એક પરિણીતા ઉપર તેના પતિ તેમજ સાસરીયાઓએ ખોટા આક્ષેપો મુકી નોકરી છોડાવી હતી. બાદમાં પરિણીતા ઉપર ત્રાસ ગુજારી ઘરેથી કાઢી મુકી હતી. ખેડાના રબારીવાસ વિસ્તારમાં રહેતાં ખેંગારભાઈ બીજલભાઈ રબારીની પુત્રી કાજલબેનના લગ્ન ચારેક વર્ષ અગાઉ નડિયાદ સિવિલ હોસ્પિટલ નજીક રહેતાં કેવલ રાજુભાઈ દેસાઈ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયાં હતાં.
લગ્ન બાદ કાજલબેન સિવિલ હોસ્પિટલમાં કો-ઓપરેટરની નોકરી કરતાં હતાં. જે સાસરીયાઓને પસંદ ન હતું. જેથી સાસરીયાઓ ભેગાં મળી કાજલબેનની નોકરી છોડાવવા માટે અવારનવાર તકરાર કરી અમારે રૂપિયાની જરૂર નથી, ઘરકામની જરૂર છે તેમ કહી મ્હેણાટોણાં મારતાં હતાં. કાજલબેન નોકરી છોડવાની ના પાડે તો પતિ મારઝુડ પણ કરતો હતો. આખરે કંટાળેલાં કાજલબેને આખરે નોકરી છોડી દીધી હતી. જે બાદ સાસરીયાઓ ભેગાં મળી ઘરકામ તેમજ અન્ય નાની નાની બાબતોમાં કાજલબેનનો વાંક કાઢી ઝઘડો કરવા લાગ્યાં હતાં.
ઘરના તમામ સભ્યોને કોઈ કારણસર બહાર જવાનું થાય તે વખતે કાજલબેનને ઘરમાં પુરી દરવાજાને તાળુ મારી દેતાં હતાં. દરમિયાન પતિ કેવલે લોડીંગ ટેમ્પો લાવવા માટે પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવવા માટે પત્નિ કાજલબેન ઉપર દબાણ કર્યું હતું. આખરે કાજલબેને પોતાના પતિ કેવલ રાજુભાઈ દેસાઈ, સસરાં રાજુભાઈ, સાસું શાંતાબેન, નણંદ કાજલબેન અને દિયર વિશાલભાઈ વિરૂધ્ધ મહિલા પોલીસમથકમાં ફરીયાદ આપી છે.