Dakshin Gujarat

હિન્દુ સગીરાને ભગાડી જનાર મુસ્લિમ યુવકની ધરપકડ નહીં થતા ઓલપાડમાં કોમી તોફાન, પથ્થરમારો

સુરત: ગત મંગળવારે ઓલપાડ (Olpad) ટાઉનમાં રહેતી 17 વર્ષિય વિદ્યાર્થિનીને (Student) વિધર્મી યુવક દ્વારા ફોસલાવીને ભગાડી જવાના પ્રકરણમાં ઓલપાડ પોલીસે અપહરણનો (Kidnapping) ગુનો દાખલ કરી સગીરાને ગણતરીના કલાકોમાં શોધીને પૂછપરછ કરી હતી. પરંતુ હિન્દુ (Hindu Girl) સગીરાને ભગાડી જનાર મુસ્લિમ (Muslim) યુવાન સોહિલ શબ્બિર પુનાગીરી (રહે., પેટ્રોલ પંપની સામે, કસ્બાવાડ, ઓલપાડ)ની અટકાયત નહીં થતાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળના 200થી વધુ કાર્યકરે ઓલપાડમાં લવ જેહાદની (Love Jihad) ઘટના અટકાવવા ઓલપાડ પોલીસમથકનો ઘેરો નાંખ્યો હતો.

દરમિયાન ગુરુવારે 200થી વધુ લોકોના ટોળા ખાદી ભંડાર પાસે અને 200 જેટલા લોકોના ટોળા ઓલપાડ પેટ્રોલ પંપ પાસે ભેગા થતાં સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. અને રોડ ઉપર પાર્ક થયેલાં કેટલાંક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ઓલપાડ ટાઉનમાં કોમી તંગદિલી ફેલાતાં ઓલપાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઓલપાડ એસ.પી. વનાર અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 150 પોલીસના સ્ટાફે ઓલપાડ પેટ્રોલ પંપથી કસ્બાવાડ સુધી અને ખાદીભંડારવાળા વિસ્તાર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હિન્દુ સંગઠનો દ્વારા સગીરાને ભગાડી જનાર મુસ્લિમ યુવાનની ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી. અને તેને લઇને ટોળા ભેગા થતાં બંને કોમ વચ્ચે સામસામો પથ્થરમારો થયો હતો.

ઓલપાડ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓલપાડ ટાઉનના કસ્બાવાડમાં રહેતો સોહિલ શબ્બિર પુનાગીરી ટાઉનમાં જ રહેતી 17 વર્ષિય વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરા દાદીની સાથે રહેતી હતી. ગત તા.25 એપ્રિલના રોજ મંગળવારે ઓલપાડ પોલીસે ગુનો દાખલ કરી સગીરાનો કબજો મેળવ્યો હતો. પરંતુ આરોપી યુવાન સામે કાર્યવાહી થવામાં વિલંબ થતાં વીએચપી અને બજરંગદળના કાર્યકરોએ ઓલપાડ પોલીસમથકનો ઘેરો ઘાલ્યો હતો.

જોતજોતામાં ખાડીભંડાર પાસે હિન્દુ યુવાનોના ટોળા અને ઓલપાડ પેટ્રોલ પંપ પાસે મુસ્લિમ યુવાનોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. આ પહેલા 10 એપ્રિલના રોજ કોળી સમાજની યુવતી ગુમ થઇ હતી, તેને લઇને પણ એવી ચર્ચા ચાલી હતી કે કસ્બા મહોલ્લામાં રહેતો મુસ્તાક શેખ નામનો વિધર્મી યુવાન લોભ લાલચ અને ખોટા પ્રલોભન આપી ભગાડી ગયો છે. જો કે, આ ઘટનામાં સગીરા સામેથી પોલીસમથકે હાજર થઇ ગઇ હતી. તેને લીધે અગમ્ય ઘટના બનતી અટકી હતી.

Most Popular

To Top