Sports

કોમનવેલ્થ ગેમ્સ મહિલા ક્રિકેટ : ભારતીય ટીમ ઇતિહાસ રચતા ચૂકી

કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર સામેલ કરાયેલી મહિલા ટી-20 ક્રિકેટની આજે રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇતિહાસ રચતા ચૂકી હતી અને તેના કારણે તેમણે સિલ્વરથી સંતોષ માનવાનો વારો આવ્યો હતો. ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ 9 રને જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ મૂકેલા 162 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી જ ઓવરમાં ઇનફોર્મ સ્મૃતિ મંધાના માત્ર 6 રન કરીને આઉટ થઇ હતી. તે પછી શેફાલી વર્મા પણ અંગત 11 રન કરીને આઉટ થઇ હતી. જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે તે પછી 96 રનની ભાગીદારી કરીને 14.3 ઓવરમાં સ્કોર 118 રન સુધી લઇ ગયા હતા. આ સ્કોર પર જેમિમા 33 રન કરીને આઉટ થઇ હતી.

તેના પછી પૂજા વસ્ત્રાકર પણ માત્ર 1 રન કરીને આઉટ થઇ ગઇ હતી અને એ જ ઓવરમાં હરમનપ્રીત પણ અંગત 65 રન કરીને આઉટ થતાં ભારતની આશાઓનો લગભગ અંત આવી ગયો હતો અને અંતે ભારતીય ટીમ અંતિમ ઓવરના ત્રીજા બોલે 152 રને ઓલઆઉટ થઇ હતી.આ પહેલા ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત પણ ખરાબ જ રહી હતી. જો કે બેથ મૂનીએ 61 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મેગ લેનિંગે 36 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત એશ્લે ગાર્ડનરે 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિક્ટે 161 રન કર્યા હતા.

Most Popular

To Top