SURAT

સુરતના 1200 સહિત રાજ્યનાં 17 હજાર રેશનિંગના દુકાનદારો આંદોલન કરશે

સુરત : સસ્તા અનાજની દુકાનમાં (Grain store) કમિશન (Commission) વધારો, દુકાન ચલાવવાનાં ખર્ચ, કુપન ક્રેડીટમાં વધારો, એમએસપી ઉપર કમિશનની કાયમી પોલીસીનો અમલ સહિતની માંગણીઓનો ઉકેલ નહીં આવતા સુરતના 1200 સહિત રાજ્યનાં 17 હજાર જેટલા સસ્તા અનાજનાં દુકાનદારોએ 2 ઓકટોબરથી અચોક્કસ મુદ્દત સુધી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાઇ પ્રહલાદ મોદીની આગેવાનીમાં સમગ્ર રાજ્યનાં સસ્તા અનાજનાં દુકાનદારો આંદોલન શરૂ કરશે.

સમગ્ર રાજ્યમાં ઠેરઠેર જોવા મળી રહેલા વિરોધ આંદોલન વચ્ચે હવે સસ્તા અનાજનાં દુકાનદારોએ પણ 2 ઓકટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યુ છે. રાજ્યનાં ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ.એસો. અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસો. એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્ડ એસો. સાથે સંકળાયેલા રાજ્યનાં કુલ 17 હજાર દુકાનદારોએ આગામી મહિનાની પરમીટ નહીં લઇ અને ચલણ નહીં ભરીને 2 ઓકટોબરથી અચોક્કસ મુદ્દત સુધી વિતરણ વ્યવસ્થાથી દુર રહેવાનું અલ્ટીમેટમ સરકારને આપ્યું છે. જેમાં દુકાનદારો દ્વારા કમિશન વધારો, તોલાટ ઓપરેટરનો પગાર, દુકાન ભાડુ, લાઇટબીલ, ઇન્ટરનેટ ખર્ચ, સ્ટેશનનરી ખર્ચ, આ ઉપરાંત સમયસર રિફંડ ચુકવવા, રિફંડની રકમ જિલ્લાકક્ષાએ મોકલવા, અંત્યોદય ખાંડનાં જથ્થાની બીનજરૂરી પરમીટ ઇસ્યુ ન કરવા, સહિતનાં અનેક પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાઇ પહલાદ મોદીનાં નેતૃત્વમાં થનારા વિરોધ આંદોલનને પગલે સામાન્ય અને મધ્યમવર્ગનાં લોકો સુધી અનાજ પહોંચતું અટકી જશે. જેમાં સરકારી તંત્રની કપરી કસોટી થશે.

સેન્ટ્રલ બેંકની સુરતની 17 સહિત દક્ષિણ ગુજરાતની 53 બ્રાન્ચના કર્મચારીઓ બીજા દિવસે પણ હડતાળ પર
સુરત: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 4325 ક્લેરિકલ સ્ટાફની સામૂહિક બદલી કરવાના વિરોધમાં ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ બેન્ક એપ્લોઇઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી બે દિવસની હડતાળના પ્રથમ દિવસે સોમવારે સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. આવતીકાલે મંગળવારે પણ સેન્ટ્રલ બેંકની સુરતની 17 સહિત દક્ષિણ ગુજરાતની 53 બ્રાન્ચના કર્મચારીઓ હડતાળમાં જોડાશે.

સેન્ટ્રલ બેંક એમ્પ્લોઇઝ યુનિયન સુરત રિજયનના જનરલ સેક્રેટરી ભરત નારીએલવાલા તથા ઓફિસર યુનિયનના રિજનલ સેક્રેટરી શશાંક ભટ્ટના જણાવ્યા મુજબ ગેરકાયદે બેંકની ટ્રાન્સફર પોલિસીનું ઉલ્લંઘન કરી 4325 ક્લેરિકલ સ્ટાફની બદલીઓ કરવામાં આવી છે. એની વિરુદ્ધમાં બેંકના રાષ્ટ્રીય સંગઠને બે દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. એને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. આ સંદર્ભમાં આવતીકાલે 20મીએ મંગળવારે સવારે ૯.૪૫ કલાકે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,
ક્ષેત્રીય કાર્યાલય, હથુગર મોહલ્લો-નાનપુરા, સુરત ખાતે કર્મચારીઓ એકત્રિત થઈ વિરોધ દર્શાવશે.

સેન્ટ્રલ બેંકના કર્મચારીઓ મેનેજમેન્ટ દ્વારા ક્લાર્ક, પટાવાળા ઉપરાંત અધિકારીઓની પણ આડેધડ બદલી કરી હતી. યુનાઈટેડ ફોરમ ઓફ સેન્ટ્રલ બેંક યુનિયનના આદેશ મુજબ કર્મચારીઓએ હડતાળનું એલાન આપ્યું છે, જેમાં ગુજરાતની તમામ શાખાઓના કર્મચારીઓ જોડાયા છે. અધિકારીઓએ ટેકો જાહેર કર્યો છે.

Most Popular

To Top