આણંદ : વિદ્યાનગર ખાતેની કેન્દ્રિય વિદ્યાલય, હાડગુડ પ્રાથમિક ગુજરાતી શાળા ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં હાડગુડ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ખાસ હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી ખાતેના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા-2022ની 5મી આવૃત્તિના ભાગરૂપે શુક્રવારે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના તણાવ અને સંબંધિત ક્ષેત્રોને લગતા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આણંદના હાડગુડની પ્રાથમિક ગુજરાતી શાળા અને વલ્લવિદ્યાનગરની કેન્દ્રિય વિદ્યાલય ખાતે કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ શિક્ષકો-વાલીઓ-વિદ્યાર્થીઓ અને એસએમસી સમિતિના સભ્યો સાથે બેસીને લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં જો મન અભ્યાસમાં પુરેપુરૂં એકાગ્ર હશે તો કોઇપણ માધ્યમ હોય ઓનલાઇન કે ઓફલાઇન કોઇ ફર્ક પડશે નહીં તેમ જણાવી વિદ્યાર્થીઓને પરીક્ષાઓ ચિંતામુકત થઇને આપવા અને પરીક્ષાઓને એક તહેવારના રૂપમાં લેવાની શીખ આપી હતી. તેમણે વધુમાં વાલીઓ અને શિક્ષકોને બાળકોના મનની આશા-અપેક્ષા અનુસાર ભાર વધારવાથી બચવાનો પ્રયાસ કરવા સુચવ્યું હતું. આ પ્રસંગે કલેકટર મનોજ દક્ષિણીએ બાળકોને પ્રોત્સાહન મળી રહેવાની સાથે બાળકો પરીક્ષા ચિંતામુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી ટીપ્સ વડાપ્રધાન દ્વારા આપવામાં અવી છે ત્યારે શિક્ષકો-વાલીઓને પણ બાળકો માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા જણાવ્યું હતું.
ગુજરાતી પ્રાથમિક શાળા હાડગુડના તમામ ડીજીટલ કલાસરૂમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા-2022ના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જે શાળાના બાળકોએ નિહાળીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. કલેકટર મનોજ દક્ષિણીની સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા શિક્ષણાધિકારી નિવેદિતાબેન ચૌધરી, શાળાના આચાર્ય હિરેન મેકવાન, સરપંચ હસીનાબાનુ આરીફઅલી સૈયદ, એસએમસીના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ઉપસ્થિત રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ શાળાની મુલાકાત કરી હતી.
લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મહાનુભાવોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો
લુણાવાડા । મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે કિશાન વિદ્યાલયની વિદ્યાર્થિની માર્ગી પટેલે આ કાર્યક્રમ નિહાળી પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. આ કાર્યક્રમને નિહાળવા જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, ડીડીઓ કે.ડી.લાખાણી વિગેરે હાજર રહ્યાં હતાં.
વિદ્યાર્થીમાં પરીક્ષાનો ફોબીયા રહ્યો નથી : મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
નડિયાદ: આજે નડિયાદ સહીત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાંચમી વખત પરીક્ષા પે ચર્ચા – પરીક્ષા કી બાત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ઓફ લાઇન કે ઓનલાઇન શિક્ષણમાં કોઇ ફેર નથી. ભણતરમાં વિદ્યાર્થીની એકાગ્રતા અને મનની સ્થિરતા અગત્યની છે. મનની સ્થિરતા અને એકાગ્રતાથી અભ્યાસ કરવાથી સફળતા અવશ્ય મળે છે. એકાગ્રતાથી યાદશક્તિ વધે છે. તેઓએ વિદ્યાર્થીઓના માતા-પિતા અને શિક્ષકોને શીખ આપતા જણાવ્યું કે, પોતાના મનની આશા-અપેક્ષાઓનો બોજો બાળકો ઉપર ન નાંખવો જોઇએ. વિદ્યાર્થીની સામર્થ્ય અને સપનાને પણ માન આપવું જોઇએ. વિદ્યાર્થીએ મોટીવેશન માટે બીજા ઉપર આધાર ન રાખતા પોતાની જાતે મોટીવેશન કરવી જોઇએ. તેઓએ ઉમેર્યુ કે સ્પર્ધા એ જીવનનો એક ભાગ છે. સ્પર્ધા જીવનમાં આવશ્યક છે, સ્પર્ધાથી પ્રગતિના દ્વાર ખુલે છે. તેઓએ નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ચર્ચા કરી દેશભરમાંથી વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તરો આપ્યા હતા. ગ્રામવિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરી જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભણતર ભાર વગરનું બન્યું છે. વિદ્યાર્થીઓમાં હવે પરીક્ષાનો ફોબીયા રહ્યો નથી.
વિદ્યાર્થીએ પરીક્ષામાં ઓછા માકર્સ કે ટકા આવે ત્યારે નાસીપાસ ન થતા આગામી પરીક્ષા માટે પ્રમાણીક પ્રયત્ન કરવો જોઇએ. કોઇ પરીક્ષા છેલ્લી નથી હોતી. તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને મોબાઇલમાં ગેમ રમવામાં સમય પસાર ન કરતા રમતના મેદાનમાં રમતો રમવી જોઇએ. તેનાથી તન અને મન તંદુરસ્ત બને છે. મોબાઇલનો ઉપયોગ ભણતરની સાથે સાથે દેશ-સંસ્કૃતિ અને નવી નવી શોધોની જાણકારી મેળવવા કરવો જોઇએ. તેઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા અંગે શીખ આપી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ૫૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણાધિકારી શીલ્પાબહેને સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, અધિક જિલ્લા કલેકટર બી.એસ.પટેલ સહિત પદાધિકારીઓ, શિક્ષકો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.