હવામાન પરિવર્તનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને પ્રદૂષણને કારણે વધતા વૈશ્વિક તાપમાનની ચિંતાઓ વ્યાપક છે તે સમયે હવામાનને લગતી કેટલીક અણધારી અને વિચિત્ર ઘટનાઓ આશ્ચર્ય પણ સર્જી રહી છે અને ચિંતાઓ પણ જન્માવી રહી છે. જ્યાં ભાગ્યે જ વરસાદ પડતો હતો તેવા પ્રદેશોમાં ભારે વરસાદ પડવો અને ગરમ પ્રદેશોમાં પણ બરફ વર્ષા જેવી ઘટનાઓ બનવા માંડી છે.
જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે વિશ્વના અનેક પ્રદેશોમાં હિમવર્ષા અને બરફની સફેદ ચાદરના દ્રશ્યો દેખાતા હોય છે પણ આફ્રિકા તથા મધ્ય પૂર્વના રણ પ્રદેશો સામાન્ય રીતે આવા પ્રદેશોમાં સમાવિષ્ટ હોતા નથી પણ આ વખતે આ પ્રદેશોમાં પણ બરફના દ્રશ્યો દેખાયા છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આફ્રિકાના સહરાના રણપ્રદેશમાં બરફવર્ષા થઇ છે અને સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં બરફ પડવાની સાથે તાપમાન ઘણું નીચું ગયું છે. સહરાના રણપ્રદેશના અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી તો સાઉદી અરેબિયાના અસીર પ્રદેશમાં બરફ પડ્યો હતો અને સ્થાનિક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને બાદમાં બરફ વર્ષાનો આનંદ માણવા લાગ્યા હતા.
આ વિસ્તારમાં તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જતું રહ્યું હતું, લગભગ અડધી સદી પછી આ વિસ્તારમાં તાપમાન શૂન્યની નીચે ગયું છે અને અસીર પ્રદેશના પર્વતો અને રણનો વિસ્તાર બરફથી છવાઇ ગયા હતા. આફ્રિકન સહરાના રણપ્રદેશના અલ્જિરિયન વિસ્તારમાં પડેલા બરફની અદભૂત તસવીરો બહાર આવી છે.
અલ્જિરિયાનું ઐન સફરા નામનું નગર સહરાના રણ પ્રદેશમાં આવેલું છે અને નાનકડા શહેરમાં પડેલા બરફની અદભૂત તસવીરો એક ફોટોગ્રાફરે ખેંચી હતી જેમાં બરફથી છવાયેલા રણમાં બરફની ઢગલીઓ પર ઉભેલા ઘેટા અને ઉંટ જેવા પ્રાણીઓ જોઇ શકાય છે. આવા દ્રશ્યો અહીં દુર્લભ હોય છે જે આ વર્ષે શક્ય બન્યા છે.
જ્યાં બરફ નહીં પડતો હોય ત્યાં બરફ પડતો જોઇને કે ખૂબ ઓછા વરસાદવાળા પ્રદેશમાં અચાનક અઢળક વરસાદ પડતો જોઇને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ ભલે આનંદમાં આવી જતા હોય પરંતુ હવામાન શાસ્ત્રીઓ અને બીજા જાણકારો સમજી શકે છે કે હવામાનમાં આવતા આવા મોટા ફેરફારો કેટલી હદે જોખમી હોઇ શકે છે.
વિશ્વમાં ભૂતકાળમાં પણ હવામાન પરિવર્તને જ કેટલીક પ્રાચીન જીવ પ્રજાતિઓને નષ્ટ કરી હોવાનું કહેવાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો અંત પણ હવામાન પરિવર્તનને કારણે આવ્યો હોવાનું હવે એક અનુમાન બાંધવામાં આવે છે. હવામાનનું આ પરિવર્તન કુદરતી પણ હોઇ શકે છે અને માનવ સર્જીત આપત્તિ પણ હોઇ શકે છે.
હવામાનમાં વ્યાપક ફેરફારો માટે વિશ્વમાં અસાધારણપણે વધેલા પ્રદૂષણને જવાબદાર માનવામાં આવે છે અને આ પ્રદૂષણને અને કાર્બન ઉત્સર્જનને કાબૂમાં લેવા માટેની ઘણી ચર્ચાઓ થાય છે પરંતુ જેટલી ચર્ચાઓ થાય છે તેટલા પ્રમાણમાં કાર્ય થતું નથી અને પ્રદૂષણ વધતું જ જાય છે.
કુદરતી રીતે થતું હવામાન પરિવર્તન રોકવું આપણા હાથમાં નથી પણ પ્રદૂષણને કારણે થતું હવામાન પરિવર્તન અને તેને પરિણામે થતા નુકસાનો તો રોકી શકાય છે પણ માણસજાતના આ માટેના પ્રયાસો ખૂબ જ ટાંચા પડે છે. પણ સૌએ એક વાત સમજી લેવી પડશે કે જો વ્યાપક હવામાન પરિવર્તનને રોકવામાં નહીં આવે તો તે ઘણું વિનાશકારી સાબિત થઇ શકે છે.