ઘેજ: ચીખલી (Chkhli) પોલીસે દેગામ સ્થિત સોલાર ફેકટરીમાંથી (Solar Factory) ચોરેલ સોલાર સેલ સોલાર પ્લેટના (Solar plate) 1.38 કરોડ રૂપિયાના જથ્થા સામે ત્રણ જેટલાને ઝડપી પાડી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ (Police) મથકેથી પ્રાપ્ત વિગત મુજબ પીએસઆઇ સમીરભાઇ કડીવાલાને મળેલી બાતમીના આધારે તેમણે પોલીસ કર્મી મહેન્દ્રભાઇ, વિજયભાઇ, યુવરાજસિંહ, ગણપતભાઇ સહિતના સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં બાતમીવાળી ઇકો કાર જી.જે.21. સીબી-5270ને ચાસા નામના મસ્જિદ પાસે અટકાવી તપાસ કરતા તેમાં પૂંઠાના બોક્ષમાં સોલાર સેલનો જથ્થો મળી આવ્યો હતો.
બોક્ષોમાંનો સોલારના ફોટોવોલ્ટીક સેલના જથ્થાનો મુદ્દામાલ કબજે કર્યો
જેના આધાર પૂરાવા પણ ન હોવાથી પીએસઆઇ સમીર કડીવાલાએ ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થા દેગામ સ્થિત વારી અનેર્જીસ લીમીટેડ કંપનીના ખુલ્લા સ્ટોર રૂમમાંથી ચોરેલ હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત બીજો જથ્થો બામણવેલ ગામે કલવારા ફળિયામાં રહેતા દશરથ રમણભાઇ પટેલના ઘરે સંતાડેલો હોવાનું તપાસ બહાર આવતા પોલીસે 96 જેટલા કાર્ટુનના પુથાના બોક્ષોમાંનો સોલારના ફોટોવોલ્ટીક સેલનો કુલ 1,38,24000, રૂપિયાના જથ્થા સાથે ઇકો કારની કિંમત 2,00,000 રૂપિયા તથા મોબાઇલ ફોન સહિત 1,40,25,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ મનિષ દિનેશ નાયકા , મિલન શંકરભાઇ ધો. પટેલ તથા પ્રિતેશ વિજયભાઇ ધો. પટેલ એમ ત્રણ જેટલા સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કંપનીના સ્ટાફની પણ સંડોવણી બહાર આવવાની શકયતા જણાઇ રહી છે
ઉપરોકત આરોપી પૈકી પ્રિતેશ અગાઉ આ સોલાર કંપનીમાં નોકરી કરતો હતો. અને બાદમાં છોડી દીધી હતી. બનાવ અંગેની ફરિયાદ કંપનીના ડેપ્યુટી મેનેજર એચઆર સાગરભાઇએ નોંધાવી હતી. ઉપરોકત ચોરીમાં કંપનીના અન્ય કેટલાક સ્ટાફની પણ સંડોવણી બહાર આવવાની શકયતા જણાઇ રહી છે. વધુ તપાસ પીઆઇ ચૌધરી કરી રહ્યા છે. ત્યારે વધુ હકીકત બહાર આવશે