ઘેજ : ચીખલી (Chikli) તાલુકાના સુરખાઇ ગામના (Surkhai Village) રામજી ફળિયાની વર્ગ શાળામાં શિક્ષકો નિવૃત્ત થયાને ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં કાયમી શિક્ષકોની (Teachers) નિમણૂંક નહીં કરાતા ૩૨ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને તેવી સ્થિતિ સર્જાવા પામી છે. હાલે દરરોજ અલગ – અલગ શિક્ષકોથી ગાડુ બગડાવાય રહ્યું છે. રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ માટે મોટા – મોટા દાવાઓ કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા કંઇ અલગ જ જોવા મળી રહી છે. સુરખાઇ રામજી ફળિયાની ધોરણ- ૧ થી ૫ ની વગ શાળામાં ૩૨ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના બે શિક્ષકો ઓક્ટોબર – ૨૨ માં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા.
- ચીખલી તાલુકાના સુરખાઇના રામજી ફળિયાની વર્ગ શાળામાં વાસ્તવિકતા અલગ
- દરરોજ અલગ – અલગ શિક્ષકોથી બગડાવાતું ગાડું
- બાળકોના શિક્ષણ માટે મોટા – મોટા દાવા કરતા રાજ્ય સરકાર, પણ વાસ્તવિકતા કંઇ અલગ જ
સીધી અસર બાળકોના શિક્ષણ પર પડવા પામી છે
જેના આજે ત્રણેક માસ વીતવા છતાં શિક્ષણ સમિતિના રેઢિયાળ કારભારમાં કાયમી શિક્ષકની નિમણૂંક કરાઇ નથી અને સુરખાઇની મુખ્ય શાળામાંથી દરરોજ અલગ – અલગ શિક્ષકો જઇને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. આમ તો મુખ્ય શાળામાંથી નવી નિમણૂંક ન થાય ત્યાં સુધી શિક્ષકની નિયુક્તિ કરવાની હોય છે. પરંતુ સ્થાનિક અધિકારીઓ પોતાના મનઘડંત નિયમો ચલાવી દરરોજ અલગ – અલગ શિક્ષકો આ રામજી ફળિયાની વર્ગશાળામાં ફરજ માટે જાય તેવી વ્યવસ્થા કરાતા તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડવા પામી છે.
આ બાળકોનું ભાવિ અંધકારમય તરફ ધકેલાઇ તેવી સ્થિતિ શિક્ષણના અધિકારીઓના અણઘડ કારભારમાં સર્જાવા પામી છે. રામજી ફળિયાની વર્ગશાળામાં ત્રણ – ત્રણ માસથી કાયમી શિક્ષક નહીં મૂકાતા સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે.
કેન્દ્રની અલગ – અલગ શાળામાંથી શિક્ષકો બદલાઇ-બદલાઇને આવી રહ્યા છે.
સુરખાઇના સરપંચ ધીરુભાઇએ જણાવ્યું હતુ કે રામજી ફળિયાની વર્ગશાળામાં બે શિક્ષકો નિવૃત્ત થયા બાદ કાયમી શિક્ષકની નિમણૂંક કરાઇ નથી. કેન્દ્રની અલગ – અલગ શાળામાંથી શિક્ષકો બદલાઇ – બદલાઇને આવી રહ્યા છે. આ પ્રકારના કારભારની અસર બાળકોના શિક્ષણ પર પડતા આ અંગે ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે.
રોજ શિક્ષક બદલવાની સૂચના આપી નથી, તપાસ કરવી પડશે.
ચીખલીના ટીપીઇઓ ગોવિંદભાઇ દેશમુખે જણાવ્યુ હતુ કે રામજી ફળિયા શાળાની જગ્યા મૂકી દીધેલી છે. કેન્દ્ર દ્વારા શિક્ષકની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ રોજ રોજ શિક્ષક બદલવા અંગેની અમે કોઇ સૂચના આપી નથી ત્યારે આવો નિર્ણય કોના દ્વારા લેવાયેલો છે તેની તપાસ કરવી પડશે.