ઘેજ: (Dhej) ચીખલીમાં યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણીના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ (Rehearsal) યોજાયુ હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બુધવારના રોજ કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં સંગીત સંધ્યાનું (Musical evening) પણ આયોજન કરાયું હતું.
ચીખલીમાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના હસ્તે ગુરૂવારના રોજ સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે. આ દરમ્યાન પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ પૂર્વે પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અશ્વડોગ શો વિગેરેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નાયબ કલેક્ટર કેતન જોષી, ડીડીઓ અર્પિત સાગર, પ્રાંત અધિકારી અમિત ચૌધરી, એસપી રૂષિકેશ ઉપાધ્યાય સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયુ હતું. આ ઉપરાંત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બુધવારના રોજ કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું હતું.
વિશિષ્ટ સેવા બદલ વલસાડના બે હોમગાર્ડ્ઝને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત થશે
વલસાડ : વલસાડ જિલ્લામાં ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે થશે. આ ઉજવણી નિમિત્તે મંત્રીના હસ્તે વલસાડ હોમગાર્ડ્ઝ દળના વલસાડ યુનિટના આસિસ્ટન્ટ સેક્શન લીડર મહિલા હોમગાર્ડ દિપીકાબેન વસંતભાઈ પટેલ અને ધરમપુર યુનિટના આસિસ્ટન્ટ લીડર ગોવિંદભાઈ દેવજીભાઈ ગાંવિતને દળમાં લાંબી, પ્રસંશનીય અને વિશિષ્ટ સેવા આપવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરાશે.
દા.ન.હ.ના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ મેડલથી સન્માનિત થશે
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ પોલીસ વિભાગના પીઆઈને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી દાખવવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરાશે. ગણતંત્રના દિવસે નવી દિલ્હી ખાતે દેશના કુલ 901 પોલીસ કર્મચારીઓને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી દાખવવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે. જે પૈકી દાનહ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઈ સબાશ્ચ્યન દેવાસીયાને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે. જેને લઈ પીઆઈ તથા તેમના પરિવારની સાથે સમગ્ર પોલીસ વિભાગમાં ગર્વની સાથે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.