Charchapatra

કબૂતરને ચણ

હાલમાં મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ પક્ષીઓને ચણ નાંખનાર માટે પાંચસો રૂપિયાના દંડની વાત કરી છે.આ તકલીફ મોટા ભાગનાં શહેરોમાં જોવા મળે છે.આવી રીતે જાહેર માર્ગ કે સ્થળો પર આવાં કાર્યોની શરૂઆત ધીમી હોય છે પણ પછી આવા વિસ્તારો પર રીતસરનો કબ્જો જમાવી લેવામાં આવે છે. ઘણાં સ્થળોએ તો આને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી જાય છે. પશુ પક્ષી માટે જીવદયા હોય, એમની સેવા થાય એ બધી વાત સાચી પરંતુ એમની સેવા કરતાં કરતાં મનુષ્યોને સહન કરવાનું આવે એ યોગ્ય નથી. ખાસ કરીને કબૂતરની ચરકથી મનુષ્યને શ્વાસ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.આથી આ કાર્ય માટે યોગ્ય આયોજનપૂર્વક કાર્ય કરવું જોઇએ.જરૂર પડે તો આપણાં પણ મહાનગરોમાં જાહેર સ્થળોએ કરવામાં આવતાં આવાં કાર્યો માટે દંડની જોગવાઇ કરવી જોઈએ.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોમેડીનો સીરિયસ વેપાર
એક સમય એવો હતો કે કોમડિયન પોતાની ઓળખ આપવામાં નાનપ-શરમ અનુભવતાં, લોકોને વળી દાંત કાઢવાનો કંઇ બિઝનેસ હોતો હશે. હવે એ જ કોમેડિયન સગર્વ પોતાની ઓળખ આપે છે અને શો કરવાના હજારો લાખો રૂપિયા મેળવે છે. ગુજરાતનું ડાયરા જગત કોમેડીની અસરથી બાકાત નથી. કોમેડીનું મહત્ત્વ ભારતમાં છેલ્લા બે એક દાયકામાં બહુ વધ્યું. એમાં વિવિધ પ્રકારો ઉમેરાયા તે એક પ્રકાર સ્ટેન્ડ અપ કોમેડી. ઓન ધ સ્પોટ જોક સર્જી કહી શકાય તેને સ્ટેન્ડ અપ કોમેડી કહેવાય. હવે જો કે તેની વ્યાખ્યા અને વ્યાપ બન્ને વિસ્તરી ચૂકયાં છે.

શરૂઆત પશ્ચિમના દેશોમાં તો 1950ના દાયકાથી થઇ હતી. સ્ટન્ડ અપની વાત ન કરીએ અને સમગ્ર કોમેડી-જગતે આગવું અર્થતંત્ર ઊભું થયું છે. વળી કોમેડિયન જાણી જોઈને વિવાદ થવા દેતા હોય છે. હસવું એ ગામ માટે હોઇ શકે. કલાકારો માટે તો ગંભીર વ્યવસાય છે. આયોજકો માટે પણ વ્યવસાય છે. સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલાં લોકો માટે પણ મોટો બિઝનેસ છે. એટલે હસી હસીને આપણું પેટ દુ:ખે પણ કોઇનું પેટ એનાથી ભરાય છે. એઓ કોમેડીના નામે કયારેક ગરબડ કરે. વળી ઓડિયન્સ સાચી કોમેડીને ખોટી સમજે એમાં વળી રાજનેતાઓને તેમાં પક્ષાપક્ષીની ગંધ આવે.
ગંગાધરા – જમિયાતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top