નડિયાદ : ખેડા જિલ્લાના કાજીપુરા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં કેમિકલની ટેન્ક સાફ કરવા ઉતરેલા છ કામદારને ઝેરી વાયુ શ્વાસમાં જતાં તબિયત લથડતી હતી. આથી, તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેમાં ત્રણ બેભાન હાલતમાં હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં એકનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઇ ઘેરા પડઘા પડ્યાં હતાં. કામદારોની સુરક્ષા સાધનો સહિતના મામલે ફેક્ટરી દ્વારા દાખવવામાં આવેલા બેદરકારી બદલ ગુનો નોંધવા સુધીની માંગ ઉઠી હતી.
ખેડા જિલ્લાના કાજીપુરા વિસ્તારમાં આવેલી અલ્કા બેરલ કેમિકલ પ્રા. લિ. નામની કેમિકલ પેક્ટરીમાં આવેલી ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા માટે છ કામદારો ટેન્કમાં ઉતર્યાં હતાં. જોકે, સુરક્ષા સાધનોના અભાવે આ કામદારોના શ્વાસમાં કેમિકલ જતાં તેઓ ગુંગળામણ અનુભવવા લાગ્યાં હતાં અને તબિયત લથડી હતી. જેના પગલે કંપનીમાં અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં અસલાલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને છ કામદારને બહાર કાઢ્યાં હતાં. જેમાં ત્રણ બેભાન હાલતમાં હતાં અને તેમની સ્થિતિ નાજૂક હતી. આથી, તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ધનજીભાઈ રમણભાઈ (રહે.વાસણા ખુર્દ)નું મૃત્યું થયું હતું. જ્યારે સુરેશભાઈ બારીયાને ચરોતર હોસ્પિટલ અને મકસુદભાઈને રતનપુર માતર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવના પગલે સ્થાનિક અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં. જોકે, કેમિકલ ફેક્ટરીમાં કામદારો પાસે સુરક્ષા સાધનો વગર વેસ્ટેજ સ્લજ કાઢવા માટેની કામગીરીને લઇ અનેક પ્રશ્નો ઉભા થયાં હતાં. ખેડા પંથકમાં અનેક કેમિકલ ફેક્ટરી આવેલી છે. અધિકારીઓ દ્વારા વારંવાર સ્થળ તપાસ કરવામાં આવે છે. તે સમયે સબ સલામતના રિપોર્ટ કરવામાં આવે છે. પરંતુ આવી ઘટના સમયે તમામ પોલ ખુલી પડે છે.