પટના(Patana): બિહારની (Bihar) રાજનીતિ (Politics) માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકારે આજે વિધાનસભામાં (Assembly) બહુમતી સાબિત કરવાની છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ (FloorTest) પહેલા બિહારમાં ઉગ્ર હંગામો થયો છે. એક તરફ ભાજપ (BJP) અને જેડીયુ (JDU) પર્યાપ્ત સંખ્યાનો દાવો કરી રહ્યા છે.
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાયા ત્યારથી ‘ખેલા’ શબ્દ ચર્ચામાં છે. નીતીશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે આ રમત રમવાની બાકી છે. હવે વિધાનસભામાં તાકાતની કસોટીનો સમય આવી ગયો છે.
નીતિશ સરકારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે અને તે પહેલા તેજસ્વી ફ્રન્ટ ફૂટ પર છે. તેમની પાર્ટીએ એસેમ્બલીમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ ભૂમિકા ભજવી હોવાનો દાવો પણ કર્યો છે. બહુમત પરિક્ષણની છેલ્લી રાતે જે રીતે સંજોગો ઝડપથી બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે સવાલ એ ઘેરી વળ્યો છે કે શું બિહારમાં ‘ખેલા’ હજુ બાકી છે?
આરજેડી (RJD) નેતાઓ દાવો કરી રહ્યા છે કે ઓપરેશન લેન્ટર્ન (Operation Lantern) બિહારમાં ઓપરેશન લોટસને (Operation Lotus) પછાડી દેશે. એક તરફ આરજેડી ધારાસભ્યોને તેજસ્વીના નિવાસસ્થાને રોકી દેવામાં આવ્યા છે. ભાજપના તમામ ધારાસભ્યોને પટનાની હોટેલ પાટલીપુત્ર એક્ઝોટિકામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે જેડીયુએ તેના ધારાસભ્યોને ચાણક્ય હોટલમાં રહેવા કહ્યું છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી જેડીયુ, આરજેડી અને બીજેપીના બે-બે ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા નથી. જેડીયુના ત્રણ ધારાસભ્યો સંજીવ કુમાર, દિલીપ રાય અને બીમા ભારતી પહોંચ્યા નથી. તે સિવાય બીજેપીના મિશ્રીલાલ યાદવ અને રશ્મિ વર્મા આવ્યા નથી. આ સિવાય આરજેડીના બે ધારાસભ્યો નીલમ દેવી અને ચેતન આનંદ સત્તાધારી પક્ષમાં જોડાયા છે.
બિહાર વિધાનસભામાં ટૂંક સમયમાં નીતીશ સરકારનો ફ્લોર ટેસ્ટ થશે. રાજ્યપાલના સંબોધન પછી સૌ પ્રથમ સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવશે, ત્યારબાદ ફ્લોર ટેસ્ટ થશે. જેડીયુએ દાવો કર્યો છે કે નીતિશ કુમારને બહુમતી મળશે.
જણાવી દઈએ કે બિહાર વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતીનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.