National

વેક્સિન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે હિસાબ માંગ્યો: અત્યાર સુધી કેટલી વેક્સિન ખરીદી? કેટલા લોકોને આપી?

નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) વેક્સિન મામલે ફરી એકવાર કેન્દ્રને ફટકાર લગાવી છે. કોર્ટે શરૂ કરેલા સુઓમોટો કેસમાં રસીને લઈને અનેક સવાલો પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વેક્સિન (Vaccine) બાબતનો સંપૂર્ણ ડેટા આપવા જણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને (Central Government) પૂછ્યું છે કે કોવિડ -19 રસીના અત્યાર સુધીમાં કેટલા લોકોને એક અથવા બંને ડોઝ આપવામાં આવ્યા છે. કોર્ટે એ પણ પૂછ્યું છે કે ગામો અને શહેરોમાં કેટલા ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. આ સાથે રસી ખરીદીની સંપૂર્ણ વિગતો પણ કોર્ટે માંગી છે. કોર્ટે કેન્દ્રને સૂચના આપી હતી કે તેઓ COVID-19 રસીકરણ નીતિ અંગેના અભિપ્રાયો દર્શાવતા સંબંધિત દસ્તાવેજો અને ફાઇલ નોંધોને રેકોર્ડ પર રાખે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર તે ડેટા આપે અને સ્પષ્ટ રીતે જણાવે કે ત્રણેય વેક્સિન (કોવિશીલ્ડ, કોવૈક્સીન, સ્પૂતનિક-વી) ની ખરીદી માટે ક્યારે-ક્યારે ઓર્ડર આપવામાં આવ્યો. દરેક તારીખ પર વેક્સિનના કેટલા ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો અને તેની સપ્લાયની અનુમાનિત તારીખ શું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું છે. કોર્ટે ગુરૂવારે કેન્દ્રને આદેશ આપ્યો કે અત્યાર સુધી વેક્સિનની ખરીદી થઈ છે તેની સંપૂર્ણ વિગત રજૂ કરે. 

ટોચની અદાલતે કહ્યું કે, અમે જોયું છે કે કેન્દ્ર સરકારના 9 મેના સોગંદનામામાં જણાવાયું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નાગરિકોને મફત રસીકરણ આપવી જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેને કોર્ટ સમક્ષ સ્વીકારે અથવા નકારે તે મહત્વનું છે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીની આગામી તારીખ 30 જૂન નક્કી કરી છે. કોર્ટે કેન્દ્રને બે અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

કોર્ટ દ્વારા રાજ્યોને રસીના સપ્લાયની અંદાજિત તારીખ જાહેર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એ પણ જાણવાની માંગ કરી છે કે, ફેઝ -1, 2 અને 3માં બાકીની વસ્તીને કેવી રીતે અને ક્યારે રસી આપવામાં આવશે. સરકારને તેની રૂપરેખા રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે શરૂ કરેલા સુઓમોટો કેસમાં ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ એલ નાગેશ્વરા રાવ અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.

Most Popular

To Top