ગાંધીનગર: કેન્દ્રિય બજેટની (Central Budget) કેટલીક જોગવાઈઓનો લાભ લેવા માટે ગુજરાત સરકાર (Gujarat Govt) પોતાના આગામી બજેટમાં જરૂરૂ યોજનાઓ દાખલ કરશે,તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહયું હતું.આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહયું હતું કે કેન્દ્રિય બજેટમાં ગુજરાતને ઘણો બધો લાભ થયો છે. ગુજરાતના આંતરમાળખાકિય યોજનાઓમાં કેન્દ્રિય ગ્રાન્ટ પણ આવશે , તેવી જ રીતે ગરીબો માટે હાઉસીંગ ક્ષેત્રમાં પણ કેન્દ્રિય સહાય આવી રહી છે. જરૂર પડયે કેન્દ્રિય યોજનાઓનો લાભ લેવા માટે આપણ આગામી બજેટમાં જરૂરી યોજનાઓ લાવીશુ. તેમણે કહયું હતું કે કેન્દ્રિય બજેટ સબકા સાથ સબકા વિકાસ મંત્રે અનુકૂળ છે. બજેટના કારણે દક્ષિણ ગુજરાતની ખેડૂત સહકારી મંડળીઓને પણ મોટો લાભ થવાનો છે. કારણ કે ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મજબૂત સહકારી માળખુ અમલમાં છે.
2047 ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.
ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે
મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કો- ઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે.પટેલે કહયું હતું કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો પીએમ મોદીની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે.