વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો બંધ કરી દિવો પ્રકટાવવા કરેલા સૂચનને પગલે શહેરના તબીબોએ સાવચેતી રાખવા જણાવ્યું છે. ફેમિલી ફિજીશ્યન એસોસિએશન સાથે સંકળાયેલા ડો. જયેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, રવિવારે દિવાને દિવાસળી ચાંપતા પહેલા દરેક વ્યકિત સાબુથી હાથ ધોવાનું રાખે. ખાસ કરીને જે લોકો કલાકે કલાકે સેનેટાઇઝરથી હાથ ધોઇ રહ્યા છે, તેઓ જો સેનેટાઇઝરથી હાથ ધોવામાં આવ્યો હોય તો એકથી દોઢ મિનિટ સેનેટાઇઝરનું દ્રવ્ય ઉડી જવાની રાહ જુએ અથવા સાબુથી હાથ ધોયા પછી દિવાસળી સળગાવે. કારણ કે સેનેટાઇઝરમાં 95થી 99 ટકા જવલનશીલ આલ્કોહોલ હોવાથી હાથ દાઝી જવાની શકયતા રહે છે. આ સ્થિતિમાં સેનેટાઇઝરનો ઉપયોગ કરતા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સાબુથી હાથ ધોયા પછી જ દીવો સળગાવવો.
રવિવારે એક સાથે પાવર ઓફ કર્યા પછી સ્ટાર્ટ કરવામાં સાવચેતી નહીં રાખો તો ઇલેકટ્રોનિક્સ વસ્તુઓની સર્કિટ ઉડી જશે
ઇલેકટ્રોનિક્સ ગુડ્સના વેચાણ સાથે સંકળાયેલા નિષ્ણાંતો કહે છે કે, આગામી રવિવારે રાત્રે ૯ વાગ્યે જ્યારે દેશના લોકો પોતાના ઘરની ઈલેક્ટ્રિસિટી બંધ કરી દેશે. ત્યારે જનરેશન પ્લાન્ટ પર લોડ એકાએક ઘટી જશે અને જેથી સિસ્ટમ પરનો વોલ્ટેજ એકાએક વધી જશે. ઉપરાંત જ્યારે ૯ વાગ્યાને ૦૯ મિનિટે લોકો એકાએક પોતાના ઘરની ઈલેક્ટ્રિસિટી અને તેની સાથે જોડાયેલા સાધનો શરૂ કરશે ત્યારે સિસ્ટમનો વોલ્ટેજ અચાનક જ જશે. આમ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા પોતાના ઘરની ઈલેક્ટ્રિસિટી ચાલુ અને બંધ કરવાના કારણે સિસ્ટમમાં વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન નોંધાશે, એ સ્થિતિમાં જો લેપટોપ, કોમ્પ્યુટર, ટીવી, ફ્રીજ, એસી, ઓવનની સ્વીચ થોડોક સમય વધુ બંધ રાખવામાં નહીં આવે તો આઇસી કે સર્કિટ ઉડી જવાનો ખતરો રહે છે. તમામ ઇલેકટ્રોનિક્સ વસ્તુઓની સ્વીચ બંધ રાખવામાં આવે અને વારાફરતી તે થોડાક સમયના અંતરે ચાલુ કરવી જોઇએ.
વીજ કંપનીઓ ટોર્ક લોર્ડ કંટ્રોલ કરશે તો સમસ્યા નહીં આવે
એક સાથે વીજ સપ્લાય બંધ કર્યા પછી બધા એક સાથે વીજ પૂરવઠો ચાલુ કરશે તો વીજ કંપનીઓએ ટોર્ક લોર્ડ કંટ્રોલ કરવો પડશે. ભૂતકાળમાં વીજ કંપનીઓના સબ સ્ટેશન અને ડિપીમાં ઓવરલોર્ડને કારણે ઇલેકટ્રોનિક્સ સાધનો ખરાબ થઇ
ગયાની વિગત સામે છે. અત્યારે ઉદ્યોગો બંધ છે ત્યારે વીજ કંપનીઓ ટોર્ક લોર્ડ કંટ્રોલ કરી શકે છે. જે વીજ કંપની પાસે આધુનિક ટેકનોલોજી નહીં હશે ત્યાં સમસ્યા થઇ શકે છે. – બશીર મન્સુરી, આઇટી એક્સપર્ટ