વડોદરા : વડોદરા શહેરમાં પાલિકા દ્વારા દિન પ્રતિદિન ઢોર પકડવાની કામગીરી કડક હાથે થઇ રહી છે. તે માત્ર દેખાડા પૂરતી સીમિત બની હોય તેમ લાગી રહ્યું છે.હજુ પણ વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે.તેવામાં આજે નવાયાર્ડ વિસ્તારમાંરખડતા ઢોર ને કારણે વધુ એક વ્યક્તિ ને ઈજા પહોચી હોવાની ઘટના બની હતી.નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રોશનનગરમાં એક યુવકને ઢોરે હવામાં ફંગોળ્યો હતો.જેથી તેને પગમાં અને હાથમાં નાની મોટી ઈજાઓ થઇ હતી. સદનસીબે તે ડીવાઈડર સાથે ભટકાતા બચી જતા મોટી જાનહાની થતા ટળી હતી.
પરંતુ આ વખતે પણ જાણે સામાન્ય ઘટના બની હોય તેમ શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા એ ટેમ્પા પાછળથી ઢોર ને કોઈ એ ભગાડ્યુ હોવાથી ઢોરે યુવકને અડફેટે લીધો હોવાનું જણાવ્યું હતું.અહી સવાલ એ ઉદભવે છે કે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે.નવાયાર્ડ વિસ્તારમાં જ ચારથી વધુ વ્યક્તિઓ રખડતા ઢોરો ના આતંકનો ભોગ બની છે.તેવામાં આજે વધુ એક યુવક પણ રખડતા ઢોરના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.તો આ વિસ્તારમાં કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી કેમ અહી કાર્યવાહી કરતા પાલિકાના સત્તાધીશોના હાથ ધ્રુજી રહ્યા છે તેવા પણ સવાલો પાલિકા તંત્ર સામે ઉઠવા માંડ્યા છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા આતારસુલ નામનો યુવક બટાકા ડુંગળીની લારી ચલાવે છે. જે રવિવારે સવારે રાબેતા મુજબ પોતાની લારી પર હતો.તે દરમિયાન અચાનક પાછળ થી આવી ચઢેલા એક ઢોરે તેને શીંગડે ભેરવતા યુવક હવામાં ફંગોળાયો હતો.જેથી તેને પગમાં અને હાથમાં ઈજાઓ થઇ હતી.ત્યાંથી ડીવાઈડર થોડાક જ અંતર પર હતું. જો તેને માથાના ભાગમાં ઈજા પહોચતી તો જાનહાની થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી.
એક તરફ સ્માર્ટ સીટી વડોદરાના સ્માર્ટ શાષકો વિકાસના નામે મોટા મોટા બણગાં ફૂંકી રહ્યા છે , કે અમે ઢોર પકડવાની કામગીરી કરી છે.પરંતુ પાલિકાની કામગીરીનો આ એક ઉત્તમ નમુનો છે. જો પાલિકાએ અગાઉથી જ કામગીરી કરી હોત તો આજે વધુ એક ઘટના બની ન હોત. વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.છેલ્લા બે સપ્તાહ માજ ચારથી વધુ વ્યક્તિઓને રખડતા ઢોરોને કારણે ઈજા પહોચી છે.તેમ છતાં પણ હજી એ શહેરમાં રખડતા ઢોર નજરે પડતા પાલિકા દ્વારા રખડતા ઢોર મામલે કરવામાં આવી રહેલી કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પાલિકા જ્યાં કામગીરી કરવાની હોય છે, ત્યાં કામગીરી કરતી નથી. પશુપાલકો દ્વારા તો એવું પણ જણાવ્યું હતું કે પાલિકા આઉટ એરિયામાં ઢોરવાડા સીલ કરવાની કામગરી કરે છે. પરંતુ ઢોરવાડા તો ગીચ વિસ્તાર એવા નવાબજારમાં નાગરવાડા, ફતેગંજ સહિત અનેક વિસ્તરોમાં ઢોરવાડા- દબાણવાળો બનાવી દીધો છે.
જે પાલિકા તંત્રને દેખાતું નથી. પાલિકા આઉટ એરિયામાં કામગીરી કરીને વાહવાહી લુટી રહી છે. પણ જ્યાં કામગીરી કરવાની છે ત્યાં કરતી નથી. તો પછી શું કોઈ મોટી હોનારત થવાની રાહ જુવે છે ? તેવા પશુપાલકો એ પાલિકા પર આકરા શબ્દોના પ્રહારો પણ કર્યા હતા. છેલ્લા બે થી ત્રણ મહિનામાં ૧૦ થી વધુ અને વીતેલા ૨ સપ્તાહમાં ૪ થી વધુ લોકો રખડતા ઢોરને કારને ઘાયલ થયા છે.તેમજ ગંભીર રીતે ઘવાયા છે. એક વિદ્યાર્થીએ તો રખડતા ઢોરને કારણે આંખ ગુમાવવી પડી છે.શહેરીજનો રખડતા ઢોરને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પણ જાડી ચામડી ના અધિકારીઓ ના પેટનું પાણી હાલતું નથી. જેને લીધે દિનપ્રતિદિન રખડતા ઢોરને કારણે એક વ્યકિત ઘાયલ થવાની ઘટનાઓ બનવા પામી છે.
વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને નિહાળવા ગયેલા મેયર કેયુર રોકડિયાને તેમના જ વોર્ડમાં રખડી રહેલા ઢોરોના દર્શન થયાં પ્રદેશ ભાજપ અધ્યક્ષના આદેશનું પાલન કરી વડાપ્રધાનની મન કી બાતને મેયરે પોતાના મત વિસ્તારના ગોરવા હાઉસિંગ બોર્ડમાં સ્થાનિકો સાથે નિહાળી હતી.જોકે મેયરનાં જ મત વિસ્તારમાં રખડતા ઢોરોએ દર્શન દીધા હતા.ત્યારે અન્ય વોર્ડમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા કરાતી કામગીરી મેયરના વોર્ડના નહીં દેખાતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
કોર્પોરશનની કામગીરીથી કોઈ ફાયદો નથી
કોર્પોરશન જે ઢોર પકડવાની કામગીરી કરે છે તે શહેરીજનો માટે કોઈ પણ ફાયદો નથી. કોઈ નક્કર પગલા લેવા જોઈએ પછી કામગીરી કરવી જોઈએ. શહેરના નાગરિકોને હેરાનગતી અને નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે. પાલિકા તંત્રએ માલધારી સાથે વાત કરીને કાયમ માટેનું સોલ્યુશન લાવવું પડે. શહેરના નાગરિકોને હેરાનગતિ ન થાય.
– વિરોધપક્ષના નેતા , કોગ્રેસ
લારી લગાવતી વેળા ગાયે શિંગડે ભેરવ્યો
નવાયાર્ડ રોશન પાર્ક વોર્ડ ન ૧ માં આવેલ છે.સવારે ૮.૩૦ વાગે મારો ભાઈ બટાકા ડુંગળીની લારી લગાવતો હતો. ત્યારે ગાયે પાછળથી આવીને તેને શીંગડું મારીને હવામાં ફંગોળ્યો હતો. જેથી તેને પગ અને હાથ પર ઈજાઓ થઇ હતી. જો ડીવાઇડર માથામાં માં વાગ્યું હોત તો તો કઈ અલગ જ ઘટના બની હોત.
-નાઝીમ પઠાણ, ઈજાગ્રસ્તનો ભાઈ
યુવાનને ઈજાઓ થઇ પણ ગંભીર નથી
મેં CCTV કેમેરાની તપાસ કરીને ચેક કર્યું તેમાં કોઈએ ગાયને ભગાડી એટલે ગાય ભાગી અને યુવાનને ઈજાઓ થઇ હતી. પરંતુ એટલી ગંભીર ઈજાઓ તેને થઇ નથી. તે યુવાનને કોઈ ફેકચર થયું નથી. ઈજાઓ છે પણ ગંભીર નથી. – કેયુર રોકડીયા, મેયર
રવિવારે 10થી વધુ ઢોર પકડી ડબ્બામાં પુર્યાં
પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે ઢોર પાર્ટીએ સાંજ સુધી ૧૦ થી વધુ ઢોર પકડીને ડબ્બામાં પૂર્યા હતા. જે મોડી રાત સુધી ૧૭ થી ૧૮ સુધી પહોચવાની શક્યતા છે. – મંગેશ જયસ્વાલ