ગાઝામાં ફરી એકવાર ખાદ્ય વિતરણ કેન્દ્ર પર ગોળીબારની ઘટના સામે આવી છે. ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે શનિવારે ખાદ્ય વિતરણ કેન્દ્ર નજીક ગોળીબારમાં ઓછામાં ઓછા 38 પેલેસ્ટિનિયનોના મોત થયા છે અને 70 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઉત્તર ગાઝાના એક વિસ્તારમાં બની હતી જ્યાં હજારો લોકો ખાદ્ય સામગ્રી મેળવવા માટે ભેગા થયા હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા.
ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જ્યારે લોકો ખાદ્ય સહાય મેળવવા માટે લાઇનમાં ઉભા હતા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોની સારવાર ગાઝાની બાકી રહેલી થોડી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે જ્યાં પહેલાથી જ સંસાધનોની ભારે અછત છે.
ગાઝામાં માનવતાવાદી કટોકટી ચરમસીમાએ
હાલમાં ગાઝામાં માનવતાવાદી કટોકટી ચરમસીમાએ છે. મહિનાઓથી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે વિસ્તારમાં ખાદ્ય પદાર્થો, દવાઓ અને વીજળીની ભારે અછત છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પહેલાથી જ ચેતવણી આપી છે કે જો રાહત ટૂંક સમયમાં નહીં પહોંચે તો ગાઝામાં ભૂખમરા અને રોગચાળાને કારણે મોટા પાયે મૃત્યુ થઈ શકે છે. જોકે આ ઘટના પર ઇઝરાયલ તરફથી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી.