Vadodara

1.89 કરોડના ખર્ચે બનેલો સ્કાય વોક શોભાના ગાંઠિયા સમાન

વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પાસે બનાવેલા અને બાદમાં ખખડધજ બની ગયેલા સ્કાય વોકને સલામતી માટે ગયા નવેમ્બરમાં બંધ કરી દીધો હતો. આજે કોર્પોરેશનના સત્તાધિશોએ ત્યાં એક જાહેર નોટિસ લગાડી છે અને તેમાં લખ્યું છે કે આ ફૂટ ઓવરબ્રિજનો અવરજવર માટે ઉપયોગ કરવો નહીં. જોકે અગાઉ વડોદરા પાલિકા દ્વારા કહેવાયું હતું કે બ્રિજનું રીપેરીંગ કરવામાં આવશે, અને રીપેરીંગ કરાયા બાદ ફરી અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે. પરંતુ કોઈ રીપેરીંગ કામ થયું હોય તેવું હાલ જણાતું નથી.

આમ પણ છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનો ઉપયોગ લોકોએ બહુ ઓછો કરી દીધો છે. આ અગાઉ પણ વિરોધ પક્ષ દ્વારા જોખમી બનેલા સ્કાય વોકને નીચે ઉતારી લેવા માંગણી કરી હતી. કારણ કે આ સ્કાય વોક શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. 1.89 કરોડના ખર્ચે વર્ષ 2008-09માં આ સ્કાયવોકની કામગીરી શરૂ કરી હતી અને 2010માં પૂર્ણ થઈ હતી. 148 મીટરની લંબાઈ ધરાવતા સ્કાયવોક પર ત્રણ સ્થળેથી આવજા થઈ શકે છે. જે તે સમયે સિટિબસ સ્ટેશન સ્કાય વોક પાસે હતું, ત્યારે રેલવેથી આવતા મુસાફરોને બસના ઉપયોગ માટે સ્કાયવોક સવલતભર્યો હતો પરંતુ જ્યારથી બસ સ્ટેશન જનમહેલમાં ખસેડાયું છે. એટલે મુસાફરો એ સ્કાય વોકનો ઉપયોગ પણ બંધ કરી નાખ્યો છે.

છેલ્લા 13 વર્ષમાં આ સ્કાય વોકના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી થઈ નથી તેનું રંગ રોગાન થયું નથી. હાલત જર્જરીત છે. સ્ટ્રકચર નીચે પડી જાય તેમ છે. જાનમાલને નુકસાન ન થાય તે માટે સ્કાય વોક નીચે ઉતારી લેવો જોઈએ. એક સામાજિક કાર્યકરે પણ કહ્યું હતું કે હાલ આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. અસામાજિક તત્વોનું સ્થળ બની ગયું છે. દારૂ પીનારા લોકો, રખડતા ભટકતા તત્વો બ્રિજ નો ઉપયોગ કરે છે. જયારે લોકો તેનો ઉપયોગ કરતા નથી એટલે તેને નીચે ઉતારી લેવો જોઈએ. કોર્પોરેશન આવી રીતે શહેર નોટિસ મૂકીને તેની જવાબદારીમાંથી છટકી જવુ જોઈએ નહીં.કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ કોર્પોરેશન નું હાલમા આ સ્કાય વોક નીચે ઉતારી લેવા માટે નું કોઈ આયોજન નથી. વિરોધ પક્ષ  સ્ટેશનથી જન મહેલ અને ડેપો પર આવવા જવા મુસાફરો માટે સબવે બનાવવાની માગણી કરી રહ્યું કરે છે.

Most Popular

To Top