સુરત : શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આશારામ આશ્રમ પાસે આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં (Building) બપોરના સમયે લિફ્ટમાં (Lift) એક સાથે સાત લોકો જઈ રહ્યા હતા. આ સમયે ઓવરલોડ વજનના (Overload weight) કારણે લિફ્ટ અધવચ્ચે જ અટકી ગયા બાદ બંધ પડી ગઈ હતી. જેથી લિફ્ટમાં સવાર તમામ લોકો અંદર જ ફસાઈ ગયા હતા. બનાવને પગલે શરૂઆતમાં સ્થાનિક લોકોએ જ તેઓને બહાર કાઢવા મથામણ કરી હતી, પરંતુ તેઓને કોઈ સફળતા નહીં મળતા તેઓએ તાત્કાલિક ફાયરબ્રિગ્રેડને આ મામલે જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા.
- બનાવને પગલે શરૂઆતમાં સ્થાનિક લોકોએ જ તેઓને બહાર કાઢવા મથામણ કરી હતી
- સ્થાનિક લોકોમાં ભારે હોહા થઇ જવા પામી હતી
- ઓવરલોડ વજનના કારણે લિફ્ટ અધવચ્ચે જ અટકી ગયા બાદ બંધ પડી ગઈ લિફ્ટમાં સવાર તમામ લોકો અંદર જ ફસાઈ ગયા હતા
બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા આશારામ આશ્રમ પાસે આવેલા રંગરાજ રેસિડેન્સીમાં બપોરે ૧૨ વાગ્યાના અરસામાં બે મહિલા સહીત કુલ ૭ લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા. લિફ્ટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસી જતા લિફ્ટ બિલ્ડિંગમાં અધવચ્ચે જ અટકી ગયા બાદ બંધ થઇ ગઈ હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે હોહા થઇ જવા પામી હતી. બિલ્ડિંગમાં વસવાટ કરતા લોકો દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢવા ભારે મથામણ કરી હતી. પરંતુ કોઈ સફળતા નહીં મળતા આખરે તેઓએ આ મામલે ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ રૂમમાં જાણ કરતા મોરાભાગળ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ લિફ્ટનો દરવાજો તોડી લિફ્ટમાં ફસાયેલા ૨૧ વર્ષીય હર્ષદ, ૫૦ વર્ષીય દિપકભાઈ, ૪૩ વર્ષીય જોશનાબેન, ૧૭ વર્ષીય રાજેશ, ૪૧ વર્ષીય દિપ્તીબેન, ૪૪ વર્ષીય બાબુભાઇ અને ૧૦ વર્ષના દેવને હેમખેમ બહાર કાઢ્યા હતા.