World

ઈટાલીમાં બ્રિટનના બિઝનેસમેનની લક્ઝરી યોટ ડૂબી, 1નું મોત, 6 ગૂમ

નવી દિલ્હીઃ સોમવારે તા. 19 ઓગસ્ટ 2024ની મોડી રાત્રે ઇટાલીના સિસિલીના દરિયાકાંઠે આવેલા ભયંકર તોફાનમાં એક લક્ઝરી યોટ ડૂબી ગઇ હતી. યોટમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 6 લોકો લાપતા છે. આ ગુમ થયેલા લોકોમાં બ્રિટિશ ટેક્નોલોજી દિગ્ગજ માઈક લિન્ચ અને તેમની પુત્રીનો પણ સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર, લિંચની પત્ની સહિત જહાજમાં સવાર કુલ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 8ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ ધ્વજવાળી બેયેશિયન 56-મીટર લાંબી (184 ફૂટ) સેઇલયોટ હતી જેમાં 22 લોકો સવાર હતા. યોટ પોર્ટિસેલો બંદર પાસે કિનારે ઉભી હતી. દરમિયાન દરિયામાં જોરદાર તોફાન આવ્યું અને યોટ ડૂબી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે યોટ દરિયાના ઊંચા ઉછળતા મોજાની અંદર ગાયબ થઈ ગઈ હતી. 15 લોકોને ડૂબવાથી બચાવી લેવાયા હતા, જેમાં લિન્ચની પત્ની એન્જેલા બેકેરેસ કે જે યોટની માલિકી હતી અને એક વર્ષની છોકરીનો સમાવેશ થાય છે.

મૃતકો અને ગુમ થયેલા લોકોના નામ તાત્કાલિક જાહેર કરવામાં આવ્યા ન હતા પરંતુ બચાવ કામગીરીથી પરિચિત વ્યક્તિએ પુષ્ટિ કરી હતી કે લિન્ચ અને તેની 18 વર્ષની પુત્રી હેન્ના મળી નથી. ઈટાલિયન મીડિયા અનુસાર મૃતક વ્યક્તિ યોટમાં સવાર રસોઈયો હતો. ગુમ થયેલાઓમાં બ્રિટિશ, અમેરિકન અને કેનેડિયન નાગરિકોનો સમાવેશ થાય છે. તેની શોધ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે લિંચે તેના સ્ટાફ માટે યોટ ટુરનું આયોજન કર્યું હતું. ગુમ થયેલા લિંચને જૂનમાં યુએસની એક મોટી છેતરપિંડીની ટ્રાયલમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

લિન્ચ બ્રિટનના બિલ ગેટ્સ તરીકે ઓળખાય છે
59 વર્ષીય લિન્ચ બ્રિટનના સૌથી પ્રખ્યાત ટેક્નોલોજી ઉદ્યોગ સાહસિકોમાંથી એક છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધન સાથે દેશની સૌથી મોટી સોફ્ટવેર ફર્મ ઓટોનોમીની શરૂઆત કરી. તેઓ બ્રિટનના બિલ ગેટ્સ તરીકે ઓળખાય છે. તેણે 2011માં કંપનીને HPને $11 બિલિયનમાં વેચી હતી.

જો કે આ દરમિયાન અમેરિકન ટેક જાયન્ટે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ફોજદારી આરોપો પર કેસ ચલાવવા માટે તેને બ્રિટનથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોની જ્યુરીએ તેને જૂનમાં નિર્દોષ જાહેર કર્યો હતો, ત્યાર બાદ તેણે અસરકારક નજરકેદ હેઠળ એક વર્ષ કરતાં વધુ સમય પસાર કર્યો હતો.

Most Popular

To Top