સુરત શહેરની ઘણા નામે ઓળખ ઊભી થઈ છે. સુરત શહેરને ઘણા સમયથી ડાયમંડ સિટી તેમજ ટેક્સટાઈલ સિટી તો નામ આપવામાં આવ્યું જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સવલતો માટે શહેરમાં 120 કરતા પણ વધુ નાના-મોટા બ્રિજ તૈયાર કરાયા છે. જેથી સુરત શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે પણ થાય છે. તેની સાથે સાથે શહેર સ્માર્ટ સિટીની કામગીરીમાં, સ્વચ્છતાની કામગીરીમાં કે મેટ્રોની કામગીરીમાં પણ અવ્વ્લ હોવાથી હવે તેની આ નામો સાથે પણ ઓળખ ઊભી થઈ છે. પરંતુ સુરતીલાલાઓ હવે હેલ્થ બાબતે પણ વધુ જાગૃત થાય તે હેતુસર શહેરમાં હવે વોક-વેની ઉત્તમ સવલતો ઊભી કરી લોકો આ વોક-વેનો મહત્તમ ઉપયોગ કરી દરરોજ ચાલવાનું રાખે તેવાં આયોજનો મનપા દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું.
સુરત શહેરના મધ્યમાંથી તાપી નદી પસાર થાય છે. તેમજ મનપા દ્વારા હાલ રૂંઢ-ભાઠા બરાજ બનાવવાનું આયોજન પણ છે. જેથી સુરત શહેરમાં તાપી નદી કાયમી સ્વરૂપે છલોછલ જોવા મળશે. જેથી તાપી નદીના કિનારે શહેરીજનો ચાલી શકે તેમજ આ ઉત્તમ હરવા ફરવા માટેનું સ્થળ બની રહે તે માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ ડેવલપ કરવામાં આવશે. જે અંતર્ગત જ તાપી નદી કિનારે વોક-વે પણ બનાવાશે. તે જ રીતે શહેરના જે વધુ પહોળા રસ્તા છે તેના સર્વિસ રોડ પાસે પણ વોક-વે બનાવી શકાય કે કેમ તેની પણ શક્યતા ચકાસવામાં આવશે.
હાલમાં કયા કયા વિસ્તારમાં વોક-વે તૈયાર છે?
ઝોન – વોક-વે – લંબાઈ(કિ.મી.)
અઠવા – સરદાર બ્રિજથી મેરિયટ હોટલ-રિવરફ્રન્ટ વોક-વે – 3.10
ઉધના-મગદલ્લા રોડથી ઈશ્વરફાર્મ – 0.60
ઈશ્વર ફાર્મથી જેડબ્લ્યૂ સર્કલ – 0.67
જેડબ્લ્યૂથી યુનિવર્સિટી ગેટ – 0.50
ડુમસ લંગરથી ડુમસ ચોપાટી – 0.50
જી.ડી.ગોએન્કાથી કેનાલ લિનિયર પાર્ક – 2.50
સેન્ટ્રલ – રિવરફ્રન્ટ-સરદાર બ્રિજથી વિવેકાનંદ બ્રિજ નાવડી ઓવારા – 1.40
વરાછા-એ – વોકિગ ટ્રેક-શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ નીચે – 0.65
કતારગામ – અમરોલી સાયણ રોડથી ગુજરાત હાઉસિંગ બોર્ડ-લિનિયર પાર્ક – 0.99
રાંદેર- ગેલેક્સી સર્કલથી પાલનપુર ગામ કલવર્ટ – 1.60
મશાલ સર્કલથી બોટનિકલ ગાર્ડન – 1.20
બ્રિજ સેલ – છત્રપતિ શિવાજી હેરિટેજ વોક-વે- 0.70
વોક-વેની માહિતી જીપીએસ પર અપલોડ થશે: મેયર હેમાલી બોઘાવાલા
શહેરમાં મનપા દ્વારા સ્પોર્ટસ સેન્ટરો તો બનાવાયાં જ છે. પરંતુ શહેરીજનોને સાઇકલિંગ તેમજ ચાલવાની આદતો નથી. જેથી શહેરમાં વધુ ને વધુ વોક-વે બનાવવાનું આયોજન કરાયું છે. જેથી લોકો તેનો મહત્તમ ઉપયોગ કરી શકે અને કયા વિસ્તારમાં કયા લોકેશન પર વોક-વે છે તેની માહિતી લોકોને સરળતાથી મળી રહે એ માટે જીપીએસ પર પણ તેની માહિતી અપલોડ કરાશે. સાથે જ મનપાની એપ્લિકેશન અને વેબસાઈટ પર પણ આ માહિતીઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
શહેરમાં સાઈકલ-ટ્રેક પણ વધુ બનાવવા વિચારણા
શહેરમાં લોકો સાઈકલિંગ પર પણ વધુ ફોકસ કરે એ માટે હાલમાં તો સાઈકલ ટ્રેક બનાવાયાં જ છે. પરંતુ સાઈકલ ટ્રેક દબાણ ટ્રેક બની ગયાં છે. તેમ છતાં મનપા દ્વારા શહેરમાં વધુમાં વધુ સાઈકલ ટ્રેક બનાવવાની વિચારણા ચાલી રહી છે. જે અંગે મનપા દ્વારા સરવે પણ કરાશે. જેથી સાઈકલ ટ્રેકનો યોગ્ય ઉપયોગ થઈ શકે. શહેરમાં હાલમાં 17 સાઈકલ ટ્રેક છે. જેની લંબાઈ 54.46 કિ.મી છે. પરંતુ મહત્તમ સાઈકલ ટ્રેક દબાણકર્તાઓનો અડ્ડા બની ગયા છે.
શહેરમાં હાલમાં કુલ 14 કિ.મી.ના વોક-વે છે
શહેરના જુદા-જુદા વિસ્તારમાં હાલ કુલ 18.21 કિ.મી. લંબાઈનો વોક-વે બનાવાયો છે. પરંતુ ઘણા વોક-વેનો ઉપયોગ જોઈએ તે રીતે થઈ રહ્યો નથી. જેથી મનપા દ્વારા આ બાબતે યોગ્ય સરવે કરવામાં આવશે. અને તમામ વોક-વે ના મેઈન્ટેનન્સ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે. શહેરમાં હાલમાં તમામ ઝોનમાં મળીને કુલ 12 વોક-વે બનીને તૈયાર છે. તેમજ 2 વોક-વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં તેમજ અઠવા ઝોનમાં આઈકોનિક રોડ-ઓએનજીસી બ્રિજથી સુરત એરપોર્ટ ગેટ સુધીના 2 કિ.મી. લંબાઈના વોક-વેનું કામ પ્રગતિ હેઠળ છે. અને પનાસથી સોહમ સર્કલના 1.80 કિ.મી.ના વોક-વેની કામગીરી પણ હાલમાં ચાલુ છે. પરંતુ શહેરમાં વધારે વોક-વે બનાવવા ઉપર પણ આયોજનો મનપા કરી રહી છે.