સુરત: (Surat) ઉત્રાણ હળપતિવાસ પાસે તાપી નદીમાં (River) બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને બચાવી લેવાયા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દુર્ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તમામ યુવકો અજય રાઠોડના ભાઈ પ્રમોદની સગાઈ બાદ ફરવા માટે તાપી નદીમાં ગયા હતા. બોટમાં (Boat) તેઓ સેલ્ફી લઈ રહ્યા હતાં તેમજ ઇન્સ્ટ્રાગ્રામ પર લાઈવ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના થઈ હોવાનું જાણવા મળ્યું છે. બે મિત્રો પાણીમા ગરકાવ થઈ ગયા હતાં જ્યારે ત્રણ મિત્રોને તરતાં આવડતું હોવાથી તેઓ બહાર નિકળી ગયા હતા.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ મિત્રો બોટમાં બેસીને તાપી નદીમાં ગયા હતા, જ્યાં બોટ પલટી જતાં જોત જોતામાં પાંચેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકોને તરતા ન આવડુ હોય તેઓ ડૂબી ગયા હતા. જ્યારે અન્ય ત્રણને બચાવી લેવાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની બે ટીમ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ અજય રાઠોડના ભાઈ પ્રમોદની સગાઈ બાદ મિત્રો ઉત્રાણ ખાતે તાપી નદીમાં નાવડીમાં ફરવા ગયા હતા. દરમ્યાન ઇન્સ્ટાગ્રામ લાઈવ કરતી વખતે નાવડી પલ્ટી મારી ગઈ હતી. બૂમાબૂમ થતા લોકો તાપી કિનારે ભેગા થયા હતા. પરિવારના લોકો પણ તાપી કિનારે દોડી ગયા હતાં. હિતેષ, અલ્ફાસ અને સોનૂને તરતા આવડતું હોવાથી તેઓ બહાર નિકળી ગયા હતાં. બહાર નીકળ્યા બાદ ખબર પડી કે, અજય અને રાહુલ તાપીમાં ગરકાવ થઈ ગયા છે. ફાયર ના જવાનોએ રાહુલ અને અજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એક બાજુ ભાઈની સગાઈની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ આ દુર્ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મૃતકોના નામ
રાહુલ મરાઠી (ઉ.વ.આ.20) રહે. અહેમદ નગર, વેડરોડ, સુરત
અજય રાઠોડ(ઉ.વ.આ. 35) રહે. અહેમદ નગર, વેડરોડ, સુરત
બચી ગયેલા યુવકોના નામ
હિતેશ રાઠોડ (ઉ.વ.આ.20) રહે. હળપતિવાસ, ઉત્રાણ, સુરત
અલ્ફાસ શેખ (ઉ.વ.આ.30) રહે. અહેમદ નગર, વેડરોડ, સુરત
સોનુ શેખ (ઉ.વ.આ.19)રહે. અહેમદ નગર, વેડરોડ, સુરત