પંચમહલ : પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં ગુરુવારે વહેલી સવારે બ્લાસ્ટ (Blast) થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક જ કેમિકલ કંપનીમાં (Chemical company) લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આગની ઝપેટમાં આવવાથી 3 કામદારોના મોત થયાની જાણકારી મળી છે. આગની ઘટનામાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ચોક્કસ આંકડો હજુ જાણવા મળ્યો નથી. GFL કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો. આગની (Fire) જાણ થતા ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. GFL કંપનીમાં થયેલ બ્લાસ્ટના ધડાકા 10 કિમિ દુર સુધી સંભળાયા હતા. ફાયર ફાઈટર્સ અને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. મોતનો આંકડો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત (Injured) અને મોત (Death) થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને બીજી તરફ એમ્બ્યૂલન્સ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
જ્યારે તમામ ઘાયલોને હાલોલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. આગના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે વિસ્ફોટ બાદ નજીકના રહેંણાક વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પંચમહાલ રેન્જ આઇજી એમ.એસ. ભરાડા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતાં. આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાનાં કલેક્ટર સાથે સતત ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે.