સુરત: આપ(aam aadmi party)ના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સુરત મનપા(smc)ના પદાધિકારીઓને આપવામાં આવતી સવલતો અંગે વિરોધ કર્યો હતો. પદાધિકારીઓને જે આઈફોન (iphone) વાપરવા માટે આપવામાં આવે છે તે અંગે ધર્મેશ ભંડેરીએ આઈફોન ન આપી માત્ર સાદો એન્ડ્રોઈડ(android)નો સસ્તો ફોન આપવા માંગણી કરી હતી. જે અંગે ભાજપના નેતાઓ દ્વારા અકળામણ શરૂ કરવા માંડી છે. બળાપો કાઢતાં ભાજપનાં મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા (social media) પર પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યું હતું કે, ‘‘પેલા આપીયાને સમજાવો કોક, એન્ડ્રોઈડ ફોન એ આઈફોન જેટલો જ મોંઘો આવે, બહુ હોંશિયારી હોય તો ફોન જ ના લેવાય…’’
બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘‘કાલે વરાછા ચોપાટી પર બેઠા એક આપીયા ભાઈ માથું ખંજવાળતા હતા. રસ્તા પર જતા એક ભાઈએ પૂછ્યું શું થયું. તો કે અમને કીધું છે, પાર્ટીમાંથી કે સત્તા પક્ષની ભૂલો શોધો…પણ સાલુ આજે મળી નહીં’’. એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાના રૂપિયાનો બેફામ ઉપયોગ ન કરવા સત્તાપ ક્ષને અપીલ કરાઈ રહી છે, તેમાં પણ ભાજપના કોર્પોરેટરોને વાંધો આવતો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. અન્ય એક પોસ્ટમાં ઉર્વશી પટેલે એવું પણ લખ્યું હતું કે, ‘મોબાઇલ કરતાં તમને ફાળવાયેલી ગાડી ઘણી મોંધી છે, તે પણ ના લેવાય ભાઇ’.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપના નેતા દ્વારા મનપા દ્વારા અપાતો મોંઘો આઈફોન લેવાની ના પાડવામાં આવતાં હવે ભાજપના પદાધિકારીઓની પણ કસોટી થનાર છે. જો ભાજપના પદાધિકારીઓ આઈફોન લઈ લેશે તો તેઓ પ્રજાના કરવેરાના નાણાંમાંથી સવલતો ભોગવી રહ્યાં છે તેવું લાગશે.