ભરૂચ: ભરૂચમાં રક્ષાબંધનના દિવસે બહેનોને ચાર વર્ષથી સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી માટે આપેલી ભેટ બસમાં કેટલાક ડ્રાઈવરો રજા પર હોવાથી અને સેવાની ગુણવત્તાને લઈ મુસાફરોએ ભારે વિવાદ સર્જ્યો હતો.
- રક્ષાબંધન પર્વે ભરૂચમાં નિ:શુલ્ક સિટી બસ સેવાનો બહેનોને કડવો અનુભવ
- કેટલીક બસો બંધ હાલતમાં, તો કેટલીક બસમાં ડ્રાઇવર જ ન હોવાની વિગતો સામે આવી
એક વિપક્ષી જૂથે પાલિકાના ગાજ્યા મેઘ વરસ્યા ન હોવાના આક્ષેપ કર્યા હતા. તો પાલિકા દ્વારા આક્ષેપને બદનામ કરવાની હલકી રાજનીતિ ગણાવી હતી. ભરૂચ નગર પાલિકાએ રક્ષાબંધનના તહેવારના બે દિવસ અગાઉથી જાહેરાત કરી હતી કે, સતત ચાર વર્ષથી રક્ષાબંધનના પર્વએ ભરૂચ નગર પાલિકાના તમામ ૧૪ રૂટ પર મહિલાઓ અને બાળકો માટે મુસાફરી નિઃશુલ્ક રહેશે. પાલિકાનાં મહિલા પ્રમુખ વિભૂતિ યાદવ દ્વારા તહેવારની ઉજવણી દરમિયાન બહેનો આર્થિક ભીંસનો અનુભવ ન કરે એ માટે આ નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત રક્ષાબંધન પૂર્વે કરવામાં આવી હતી. રક્ષાબંધનની વહેલી સવારે નિઃશુલ્ક મુસાફરીમાં વિવાદ સામે આવ્યો હતો.
સિટી બસ ડેપોમાં કેટલીક જર્જરીત બસ નજરે પડી હતી. ઉપરાંત ૧૪ રૂટ સામે બે-ચાર રૂટ પર બસ દોડી રહી હોવાનો મહિલા મુસાફર અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો. બીજી તરફ કેટલાક બસ ડ્રાઈવરો રજા ઉપર હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેથી બસો એમ જ રેલવે સ્ટેશન સામે જૈસે થે હાલતમાં સિટી બસ સ્ટેશનમાં પડી રહી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે તમામ રૂટ અને મહિલાઓ માટે નિઃશુલ્ક સેવા કાર્યરત હોવાનો ખુલાસો કરી આક્ષેપોને બદનામ કરવાની હલકી રાજનીતિ વ્યક્ત કરી હતી.