એક જમાનામાં કહેવાતું : ‘રાજા-વાજાં ને વાંદરા… માન્યા માને નહીં-મન ફાવે તેમ કરે..’ હવે તો રાજા રહ્યા નહીં પણ ઉપરોક્ત ઉક્તિમાં ‘રાજા’ને બદલે હવે ‘અબજપતિ’ શબ્દ બેસાડી દો એટલે વાતનો મર્મ સચવાઈ રહે! આજના જમાનામાં રાજા-મહારાજાઓને ખસેડીને અંતરિક્ષ ફ્લકમાં અબજપતિઓ સિફતથી ગોઠવાઈ ગયા છે. એમાં એમનાં ધન – શ્રીમંતાઈનું જોર કે પ્રભાવ ખરો પરંતુ એમાંના કેટલાકને તો અંતરિક્ષમાં જવાનો જબરજસ્ત શોખ છે. માત્ર શોખ જ નહીં, એમને અંતરિક્ષ-વિજ્ઞાનનું પૂરતું જ્ઞાન પણ છે.
આમ તો અંતરિક્ષને લગતાં અટપટાં સંશોધન અને સતત કરવા પડતા અવકાશયાત્રાના અનેકવિધ પ્રયોગ ઘણા જ ખર્ચાળ છે, જે અમેરિકા- રશિયા જેવા ખમતીધર દેશને જ પોષાય. એકલદોકલનું આ ક્ષેત્રમાં કામ નહીં.
જો કે હવે કેટલાક એવા તગડા ડોલરિયા મહારથીઓ બહાર આવ્યા છે, જેમણે નાનપણથી પોતાની રીતે અંતરિક્ષ મહાલવાનાં સપનાં જોયાં હતાં અને હવે એ ટૂંક સમયમાં સાકાર પણ કરવાના છે. આવા અંતરિક્ષ -સાહસિકોમાં પહેલું નામ છે: જેફ બેઝોસ… કોર્પોરેટ વર્લ્ડની એક જબરી ઓળખ -જંગી કંપની ‘એમેઝોન’ના સર્વેસર્વા એવા આ શખ્સની ગણના જગતના પાંચ ટોપના શ્રીમંત તરીકે થાય છે. ક્યારેક એ વિશ્વના સૌથી વધુ શ્રીમંત હોય તો ક્યારેક એ બીજે સ્થાને પણ હોય પણ એમનો ક્રમાંક ક્યારેય ટોપ ફાઈવમાંથી હેઠો ઊતર્યો નથી.
આ ધરતી પર ‘એમેઝોન’ દ્વારા અનેક વ્યાવસાયિક વિક્રમ સર્જ્યા પછી બાળપણમાં સેવેલાં શમણાંને વાસ્તવિક આકાર આપવા જેફ બેઝોસે હવે ગગન તરફ નજર દોડાવી છે. એવું નથી કે કોઈ અબજપતિની જેમ એને તુક્કો સૂઝ્યો કે ‘હાલો, એકાદ રોકેટયાન બનાવીએ- બેસીએ ને જરા આકાશમાં નવી કારની લોંગ ડ્રાઈવની જેમ લટાર મારી આવીએ…!’ આ એના જેટલું સરળ નથી. એના માટે ખુલ્લી આંખે સપનાં જોવાં પડે. દ્રઢ નિશ્ચય સાથે આયોજન કરવું પડે. જેફે પણ નાનપણથી -પાંચ વર્ષની કાચી ઉંમરે એક બાળકની જેમ પરીઓના દેશ -ઉપર ગગનમાં જવાની કલ્પના કરી હતી અને આજે એ દાયકાઓ પુરાની સ્વપ્નવત વાત-ફૅન્ટસી સાકાર કરવા એ ખરેખર ખુદ આગામી ૨૦ જુલાઈએ સ્પેસ- અંતરિક્ષમાં ઉડાન ભરી રહ્યો છે..એ દિવસ જેફે એટલા માટે પસંદ કર્યો કે માનવીએ ચન્દ્ર પર ઊતરાણ કર્યું એ ઘટનાને આ ૨૦ જુલાઈએ બાવન વર્ષ થાય છે. આમ આ વાતની અણધારી જાહેરાતે લોકોને ખરેખર ચોંકાવી દીધા છે.
જેફ બેઝોસ મૂળભૂત રીતે સ્વપ્નદ્રષ્ટા અને વ્યવસ્થિત પ્લાનિંગ -આયોજનનો આદમી. છૂટક પુસ્તકો ઓનલાઈન વેચવાના સાહસથી લઈને ‘આઉટ ઑફ બોક્સ ‘ – બીજા કરતાં કંઈક ભિન્ન-વિભન્ન વિચારીને એણે પોતાનો વ્યવસાય-ધંધો અનેક રીતે વિસ્તાર્યો.એનાથી એ માત્ર અલગ જ ન તરી આવ્યો,પણ ૧૮૭ અબજ ડોલર સાથે એ વિશ્વના ટોપ દરજ્જાના શ્રીમંતોની હરોળમાં હકપૂર્વક ગોઠવાઈ ગયો છે.
કલદાર અને કીર્તિ એકઠી કરનારા આદમીમાં એક ખૂબી હોય છે. એ બધા એક જ ધંધા-વ્યવસાયમાં સ્થિર થઈને બેસી નથી રહેતા. એ પોતાના ફ્લક આગવી રીતે સતત વિસ્તારતા જ રહે છે. જેફમાં પણ આ આવડત છે.’એમેઝોન’ ઉપરાંત પોતાના અન્ય ધંધાના લાભાર્થે એ મૉડર્ન ટેકનૉલોજીનો ભરપૂર ઉપયોગ કરતો. રોકેટ-સ્પેસયાન તૈયાર કરવા માટે એણે પોતાની ‘બ્લ્યૂ ઑરિજીન’ કંપની શરૂ કરી અંતરિક્ષને લગતાં ઘણાં સંશોધન ચાલુ કર્યાં પણ આ દરમિયાન એણે કોઈને ક્યારેય અણસાર આવવા ન દીધો કે એ ખુદ ઉડાન ભરીને ‘વિશ્વના સર્વ પ્રથમ અંતરિક્ષ અબજપતિ’નું શ્રેય લઈ જશે.
બીજી તરફ , જેફના અનેક ધંધામાં બરાબરીની સ્પર્ધા કરનારો અન્ય એક ટોપનો અબજોપતિ એલોન મસ્ક એનો કટ્ટર સ્પર્ધી બનશે એવી બધાંની ધારણા હતી કારણ કે અત્યંત કુશાગ્ર એવો એલોન મસ્ક સોલર પાવર (સૌર શક્તિ)- આર્ટિફિશ્લય ઈન્ટેલિજન્સ ( કૃત્રિમ બુધ્ધિમત્તા) અને સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર ‘ટેસ્લા’થી લઈને શક્તિશાળી રોકેટ બનાવતી કંપની ‘સ્પેસએક્સ’ જેવા અનેક પ્રકારના તુક્કા-તરકીબવાળા ધંધા- ઉદ્યોગમાં અચ્છો સફળ નીવડ્યો છે . એણે નામની સાથે અઢળક ધન કમાઈને વિશ્વના પાંચ ટોપના ધનવાનમાં એનું નામ ઉમેરી દીધું છે. અંતરિક્ષને લગતી શોધખોળ એનો પ્રિય વિષય એટલે એ ક્ષેત્રમાં એ વધુ ધ્યાન આપે પરંતુ એ ક્યાંક થાપ ખાઈ ગયો ને ‘પહેલો ઘા રાણાનો ‘ના ન્યાયે જેફ બેઝોસ અંતરિક્ષ ક્ષેત્રે અત્યારે તો મેદાન મારી ગયો છે.
જો કે, આ સ્પર્ધામાં હજુ એક અનેરું પાત્ર પણ હતું . જેફ બેઝોસ અને એલોન મસ્ક કરતાં અંતરિક્ષનાં જ્ઞાન-વિજ્ઞાનમાં અવ્વ્લ છે મૂળ બ્રિટેશ ઉદ્યોગ સાહસિક એવો રિચાર્ડ બ્રૅન્સન. જેફ અને એલોન આકાશને પોતાના ધંધામાં પલટી નાખવા તત્પર રહે છે પરંતુ વર્ષો પહેલાં મ્યુઝિક રેકોર્ડસ વેચીને જાત મહેનતે રિચાર્ડ ‘વર્જિન એરલાઈન્સ’નો માલિક બન્યો હતો. એ ગજબનો અલગારી આદમી છે. એ ઉદ્યોગ -ધંધા કરવા કરતાં ખતરા-અખતરામાં વધુ રચ્યો-પચ્યો રહે છે. એ પાવર બોટમાં એક્લો દરિયો ખુૂંદવા નીકળી પડે-હોટ બલૂનમાં પૃથ્વીની પરિક્રમા કરે અને બીજું શું શું ન કરે એ જ નવાઈ. આમ છતાં આજની તારીખે ‘ફોર્બ્સ’ મેગેઝિન અનુસાર આ ‘ખતરો કા ખેલાડી’ ૬.૫ અબજ ડોલરનો આસામી છે! જે રીતે રિચાર્ડને બલૂન જેવા અવકાશી ખતરાનો શોખ છે એ જોતાં બધાંએ માનેલું કે વહેલા-મોડા ગગન ભણી ઊડનાર એ જ પ્રથમ અબજપતિ અવકાશયાત્રી બનશે,પણ ધાર્યું આખરે જેફ બેઝોસનું થયું!
હવે કોઈ સરકારના નેજા હેઠળ નહીં પણ અબજપતિ જેફ બેઝોસે પોતાના ખર્ચે આ ઐતિહાસિક અવકાશી – યાત્રાનું આયોજન શરૂ કર્યું છે. પોતાની ‘ બ્લ્યૂ ઑરિજીન ‘ કંપનીએ ખાસ તૈયાર કરેલા સ્પેસ કેપ્સ્યુલ ‘ન્યૂ શેફર્ડ’ માં એ પોતાના નાના ભાઈ માર્ક સાથે ગગનયાત્રાએ ઉપડશે. આ સ્પેસ કેપ્સ્યુલમાં હજુ એક સીટ-ખાલી છે એટલે હજુ એક પ્રવાસી-યાત્રાળુનો સમાવેશ થઈ શકે એટલે એના માટે જેફે લિલામ શરૂ કર્યું છે. જે વધુ બોલી લગાડશે એને જેફ બેઝોસ સાથે અવકાશયાત્રા કરવાનો લાભ-લહાવો મળશે. આ લિલામમાં અત્યાર સુધીમાં ૧૫૫ દેશના આઠેક હજાર લોકોએ બોલી લગાવી છે અને યાનની એ ત્રીજી સીટ માટે લિલામ ચાલી રહ્યું છે એ જોતાં અત્યારે તો લાગે છે કે એ સીટના ઓછામાં ઓછા પાંચેક મિલિયન ડોલર ( આશરે રૂપિયા ૩૬ કરોડ!) તો ઉપજશે જ! આ રક્મ આવતી પેઢીના લાભાર્થે અંતરિક્ષ વિજ્ઞાન ઈત્યાદિના સંશોધનમાં વપરાશે એવું જેફ બેઝોસે જાહેર કર્યું છે.
-અને હા, છેલ્લે એ પણ જાણી લો કે આ સ્પેસ ફ્લાઈટ પહેલાં જેફ અને એના ભાઈ માર્કે ત્રણ દિવસની તાલીમ લેવી પડશે. એમનું સ્પેસ કેપ્સ્યુલ ટેકસાસના લૉન્ચ પેડથી ઊંચકાઈને ધરતીથી ૧૦૦ કિલીમીટરની ઊંચાઈ સુધી પહોંચશે અને પરત આવશે…આમાં મજાની વાત એ છે કે ‘સર્વપ્રથમ અબજપતિ અવકાશયાત્રી’ની આ સમગ્ર ઐતિહાસિક યાત્રા રોકડી ૧૧ મિનિટમાં જ સમેટાઈ જશે. – જ્ય હો !