Dakshin Gujarat

ગણદેવી, બીલીમોરા, અમલસાડમાં બાપ્પાની 900 થી વધુ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન

બીલીમોરા : ગણપતિ બાપ્પાની દસ દિવસની સ્થાપના બાદ ભક્તિમાં ભક્તો લીન બન્યા હતા. ભાદરવા સુદ ચૌદશ, અનંત ચતુર્દશીને મંગળવારે ગણદેવી, બીલીમોરા, અમલસાડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બાપ્પાની 900 થી વધુ વિસર્જન શોભયાત્રાઓ શાંતિપૂર્ણ રહી હતી.

ગણદેવી તાલુકા સાથે બીલીમોરામાં મંગળવારે સવારથી યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી અને મહાપ્રસાદ બાદ વિસર્જન યાત્રાઓ શરૂ કરાઇ હતી. તે અગાઉ વિવિધ મંડળોનાં મંડપ આગળ ભક્તો ગરબે ઘૂમ્યા હતા. જે બાદ ‘ગણપતિ અપને ગાવ ચલે…’ જેવા ધાર્મિક ગીત- સંગીત ભજન સાથે ઢોલ નગારા, ડીજે મ્યુઝિક સિસ્ટમ અને અબીલ ગુલાલની છોળો સાથે ભક્તો મન મૂકીને ઝુમ્યા હતા. ગણદેવી વેગણિયા નદી બંધારા પૂલ ઓવરે, બીલીમોરા અંબિકા નદી બંદર ઓવારે અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી તળાવ કિનારે પૂંજન, આરતી, બાદ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ… પુઢચ્યાં વર્ષી લવકર યા, ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે વિસર્જન કરાયા હતા.

ભક્તોએ દુંદાળા દેવને આગામી વર્ષે જલ્દી આવવાની પ્રાર્થના સાથે અશ્રુભીની વિદાય આપી હતી. ગણદેવી, બીલીમોરા, અમલસાડ અને ધોલાઈ મરીન પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે વિસર્જનયાત્રા સુચારુ બનાવી હતી. વહીવટી તંત્રએ બંદર જેટી ઉપર ત્રણ ક્રેન, લાઈટ, પાણી, તરવૈયા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી હતી. જિલ્લા પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલે ગણદેવી અને બીલીમોરાની વિસર્જન યાત્રાની ઓચિંતી મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. સમગ્ર ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ રહેતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top