બીલીમોરા: બીલીમોરામાં સોમવારની મધ્યરાત્રીથી કડાકા અને વીજળીના ભડાકા સાથે પડેલા વરસાદે જાણે કે ફરી ચોમાસાને સક્રિય કરી લીધું હોય તેમ મંગળવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે થોડા થોડા સમયે વરસાદ પડતો રહ્યો હતો.
વીજળીના કડાકા અને ભડાકા એટલા ખતરનાક હતા કે લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. તે સાથે પવનના સુસવાટાથી શરૂ થયેલો વરસાદ રાત્રી દરમિયાન થોડા થોડા સમયે પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતું. વરસાદની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં છે તેવા સમયે હાજા ધ્રુજવી નાંખે તેવી વાદળોની ગર્જના સાથે વીજળીના ચમકારાએ વિસ્તારમાં ભય ઉભો કરી દીધો હતો. અને ભારે પવન સાથે વરસાદ વરસવાનુ શરૂ થતા જાણે કે નવેસરથી વરસાદની ઋતુની શરૂઆત થઇ હોય એવો અહેસાસ થયો હતો. મંગળવારનો આખો દિવસ બીલીમોરામાં હળવો વરસાદ વરસ્યો હતો, આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે ફરી બીલીમોરામાં વરસાદ અચાનક તૂટી પડ્યો હતો. ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં છેલ્લા 24 કલાક દરમિયાન 24 એમએમ એટલે કે 1 ઇંચ વરસાદ પડવા સાથે મોસમનો કુલ્લે વરસાદ 2225 એમએમ એટલે કે 90.2 ઇંચ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.
ગણદેવી મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીના આંકડાઓમાં વિરોધાભાસ
ગણદેવીમાંથી મળતી માહિતી મુજબ ગણદેવી અને આજુબાજુના ગામમાં પણ સોમવારની મધ્યરાતથી ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. પણ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાતા વરસાદના આંકડાઓમાં ગણદેવીનો વરસાદ ઝીરો (શૂન્ય) બતાવતા આશ્ચર્ય થયું છે. જોકે ગણદેવી મામલતદાર કચેરી ખાતેથી ટેલિફોનિક જાણકારી મેળવતા ત્યાં હાજર કર્મચારી સતિષભાઈએ રાત્રે 2થી4 મા 24 એમએમ એટલે કે 1 ઇંચ વરસાદ પડ્યો હોવાનું જણાવતા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અને મામલતદાર કચેરીના બંને આંકડાઓમાં વિરોધાભાસ જણાઈ આવ્યું હતું.