Sports

ભાવિનાબેન પટેલે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટેબલ ટેનિસ ક્લાસ 4 ઇવેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં રવિવારે અહીં દુનિયાની નંબર વન ખેલાડી ચીનની ઝાઉ યિંગ સામે ભાવિનાબેન પેટેલ 0-3થી હારી ગઇ હતી, જો કે તે છતાં ભાવિનાબેને સિલ્વર મેડલ જીતીને પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી માત્ર બીજી ભારતીય મહિલા ખેલાડી અને ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી પહેલી ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો 34 વર્ષની ભાવિનાબેન બે વારની ગોલ્ડ મેડલિસ્ટ ઝાઉ સામે માત્ર 19 મિનીટમાં જ 7-11, 5-11, 6-11થી હારી ગઇ હતી. જો કે તે ભારતને હાલનો પહેલો પેરાલિમ્પિકસનો પહેલો મેડલ જીતવામાં સફળ રહી હતી. ભાવિનાબેન પહેલા ભારતીય પેરાલિમ્પિક કમિટી (પીસીઆઇ)ની હાલની અધ્યક્ષ દીપા મલિક પાંચ વર્ષ પહેલા રિયો પેરાલિમ્પિક્સમાં ગોળા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી.

બૈજિંગ અને લંડન પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ સહિત પેરાલિમ્પિક ગેમ્સમાં કુલ પાંચ મેડલ જીતનારી ઝાઉ સામે ભાવિનાબેન આ અઠવાડિયાની શરૂઆતમાં પણ પહેલી મેચમાં હારી ચુકી હતી. આજની મેચમાં ભાવિનાબેને મજબૂત પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ચીનની છ વારની મેડલિસ્ટે ભાવિનાબેનને કોઇ તક આપી નહોતી. ઝાઉએ પહેલી ગેમથી જ મેચમાં પ્રભુત્વ સ્થાપ્યું હતું. જો કે ત્રીજી ગેમમાં ભાવિનાબેને તેને જોરદાર ટક્કર આપીને વાપસીનો પ્રયાસ કર્યો હતો અને એક સમયે સ્કોર 5-5ની બરોબરીએ હતો પણ ચીનની ખેલાડીએ તે પછી જોરદાર રમત રમીને મેચ અને ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.

ભાવિનાબેન પટેલ પેરાલિમ્પિક ટેબલટેનિસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની
ટોક્યો પેરાલિમ્પક ગેમ્સ ટેબલટેનિસ ક્લાસ 4 મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભાવિનાબેન પટેલ આ રમતમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી. આ પહેલા કોઇ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ટેબલટેનિસમાં મેડલ જીતી શક્યો નથી. તે પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી દીપા મલિક પછી બીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી.

દેશમાં કરોડો લોકો પ્રાર્થના કરતાં હોવાથી હું મેડલ જીતીશ એ મને ખબર હતી : ભાવિનાબેન પટેલ
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ ટેબલટેનિસ મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનારી ગુજરાતી ખેલાડી ભાવિનાબેન પટેલે કહ્યું હતું કે હું મેજલ જીતીશ એ મને ખબર હતી, કારણકે સ્વદેશમાં કરોડો લોકો તેના માટે પાર્થના કરી રહ્યા હતા. હું તેમના સમર્થન માટે તેમની આભારી છું અને હું તમામનો આભાર માનું છું.

મેડલ જીતવાની ખુશી પણ હું થોડી નિરાશ પણ છું : ભાવિનાબેન પટેલ
પેરાલિમ્પિક ટેબલટેનિસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બનેલી ભાવિનાબેન પટેલે કહ્યું હતું કે હું મેડલ જીતીને ઘણી ખુશ હોવા છતાં થોડી નિરાશ છું, હું થોડી નર્વસ થઇ હતી. તેણે કહ્યું હતું કે હું તમને આશ્વસ્ત કરું છું કે હવે પછી જ્યારે હું તેનો સામનો કરીશ ત્યારે તમને અલગ દેખાઇશ. આ મેડલ હવે તેનો સામનો કરવા માટે મહત્વનો સાબિત થશે.

ભાવિનાબેન પટેલ પાંચ વર્ષ પહેલા દસ્તાવેજી સમસ્યાના કારણે રિયો પેરાલિમ્પિકમાં રમી શકી નહોતી
ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં આજે સિલ્વર મેડલ જીત્યો ત્યારે ઘણાંને પાંચ વર્ષ પહેલા રિયોમાં રમાયેલા પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર નજીવી સમસ્યાને કારણે તે ભાગ લઇ ન શકી હોવાનું યાદ આવી ગયું હતું. પાંચ વર્ષ પહેલા રિયો પેરાલિમ્પક ગેમ્સમાં ભાવિનાબેન પટેલ માત્ર પોતાના દસ્તાવેજોમાં નજીવી સમસ્યાને કારણે ભાગ લઇ શકી નહોતી, નહીં તો દેશને તે સમયે જ તેણે મેડલ અપાવી દીધો હોત.

Most Popular

To Top