ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના જંબુસરમાં તૂટેલી અને ખુલ્લી ગટરો (Drainage) લોકો માટે ત્રાસરૂપ અને જોખમી બની જવા પામી છે. જંબુસરમાં ગટરોના તૂટેલા સ્લેબના કારણે બે ગાયો (Cow) ગટરમાં પડી જવાની ઘટના બની હતી. જે બાદ એક વૃદ્ધ પણ ગટરમાં ખાબકતાં પાલિકાના અંધેર વહીવટ સામે પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે.
- જંબુસરમાં ખુલ્લી ગટરમાં વૃદ્ધ પડી ગયા, પાલિકા તંત્ર સામે લોકોમાં આક્રોશ
- અગાઉ બે ગાય પણ ખુલ્લી ગટરમાં પડી ગઇ હતી
જંબુસરમાં રસ્તાની બાજુમાં આવેલી ગટરોના સ્લેબ તૂટેલા હોવાથી ખુલ્લી રહેતી આ ગટરો લોકો અને પશુઓ માટે જીવના જોખમ સમાન બની રહી છે. જંબુસર તાડિયા હનુમાન પાસે ગટરનો સ્લેબ કેટલીક જગ્યાએથી તૂટેલો હોવાથી પશુઓ, સ્થાનિકો, રાહદારી, વાહનચાલકો અને બાળકો પર અકસ્માતનું જોખમ વર્તાઈ રહ્યું છે.
રોડને અડીને આવેલી ડ્રેનેજના તૂટેલા સ્લેબમાં એક વૃદ્ધ પડી જતાં તેમણે બૂમો પાડતા આજુબાજુના રહીશોએ દોડી આવી બહાર કાઢ્યા હતા. ગટરમાં ખાબકવાના કારણે વૃદ્ધને નાની મોટી ઇજાઓ થઈ હતી. પાલિકાના વાંકે ખુલ્લી રહેતી તૂટેલી ગટરોથી અત્યંત દુર્ગંધ મારતી ગંદકીના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સાથે જ હવે ગટરમાં ખાબકવાના બનાવો બનતા જંબુસર પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.