સાયણ(Sayan): ખેડૂત (Farmers) સંગઠનો દ્વારા શુક્રવારે અપાયેલા ‘ભારત બંધ’ (BharatBandh) ના એલાનને પગલે ઓલપાડ (Olpad) તાલુકાના દેલાડ પાટીયા પાસે ખેડૂતો દુકાનો બંધ કરાવી ધરણાં પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે ખેડૂતો સહિત નેતાઓને ડિટેઇન કર્યા હતા. જયારે ઓલપાડ,સાયણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં દુકાનો અને વેપાર-ધંધા ચાલુ રહેતા ‘ભારત બંધ’ ના એલાનનો ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો.
દેશના ખેડૂત સંગઠન દ્વારા ‘ભારત બંધ’ નું એલાન અપાતા આ એલાનને સુરત જિલ્લા ખેડૂત સમાજે ટેકો જાહેર કર્યો હતો.ખેડૂત સમાજે શુક્રવારના રોજ ઓલપાડ તાલુકાના દેલાડ પાટીયા પાસે સરકારની ખેડૂત વિરોધી નિતીનો વિરોધ કરવા સવારે-9:30 કલાકે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
જો કે તાલુકામાં ખેડૂતોની બહુમતી વસ્તી હોવા છતાં આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકામાંથી ગણ્યા-ગાંઠ્યા ખેડૂતો જ હાજર રહ્યા હતા.જયારે આ ખેડૂતો દેલાડ પાટીયા વિસ્તારની દુકાનો બંધ કરાવી શાંતિપૂર્વક ધરણાં પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે ખેડૂતો સહિત નેતાઓને ડિટેઇન કરી ઓલપાડ પોલીસ મથકે લઈ જવાતા ખેડૂતોએ આ કાર્યક્રમને પડતો મુકવો પડ્યો હતો.
શુક્રવારે ડિટેઈન કરાયેલા ખેડૂત આગેવાનો પૈકી દ.ગુ.ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ(ઓરમા), ખેડૂત આગેવાન અને ગુ. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે સરકાર વિરોઘી સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાનાં ખેડૂતો મક્કમતાથી પોતાના હક્ક માટેની લડાઈમાં દિલ્હી -હરિયાણા-પંજાબની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે છે.
ખેડૂતોના હક્ક અને ન્યાય માટે આવનારા દિવસોમાં પણ ખેડૂત યુનિયનો દ્વારા જે કાર્યકમો આપવામાં આવશે તે તમામ કાર્યકમો સુરત જિલ્લામાં પણ કરાશે.બંન્ને ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નિતીઓ સામે આક્રોશ ઠાલવી વિવિધ માંગણીઓ કરી હતી કે, ભારતના ખેડૂતો દ્વારા એમ.એસ.પી.કાયદો બનાવી લાગુ કરવા,ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપવા,જમીન સંપાદન કાયદો-૨૦૧૩ નો સુધારો રદ કરવા,દેશના ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્ષ દૂર કરવા,ખેડૂતો ઉપર કરવામા આવતા અત્યાચાર બંધ કરવા,કૃષિ યુનિવર્સિટી નું ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગણીઓ સરકાર ન સંતોષે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા આવેલા ખેડૂતો પૈકી ભરત દેસાઈ,પ્રવિણ પટેલ,બળવંત પટેલ, ડો.યોગેશ પટેલ,રમેશ ચૌહાણ,જયેશ રાઠોડ, કૌશિક પટેલ,કેતન દેસાઈ,યોગેન્દ્ર પટેલ,પાર્થ સુરતી, વિવેક પટેલ,ઈશ્વર પટેલ,ભરત પટેલ,અંકુર સુરતી,શબ્બીર મલેક વગેરે ખેડૂતોને પોલીસે ડિટેઈન કર્યા હતા.