Columns

કંઈક નક્કી કરી લેવા પહેલાં

એક વખત એક પંખી નદી કિનારે ઊગેલા બે ઝાડ પાસે ગયું.પંખીને માળો બાંધીને ઈંડાં મૂકવાં હતાં એટલે તેણે પહેલાં ઝાડ પાસે જઈને પરવાનગી માંગી,’ઝાડ દાદા, તમારી ડાળીઓમાંથી એક ડાળી પર મને મારો નાનકડો માળો બાંધવાની પરવાનગી આપશો?’ ઝાડ ઘણું ઘટાદાર અને વર્ષો જૂનું હતું, પણ તેણે પંખીને ના પાડતાં કહ્યું, ‘ના, તું તારો માળો અહીં બાંધતી નહિ. જા, બીજે કયાંક જગ્યા ગોત.’ પંખીને દુઃખ થયું. તે વિલા મોઢે ત્યાંથી ઊડીને બાજુના ઝાડ પર ગયું અને તે ઝાડ થોડું ઓછું ઘટાદાર હતું, પણ તેણે સામેથી પંખીને કહ્યું, ‘આવ પંખી, મેં તમારી વાતો સાંભળી છે.તારે માળો બાંધવો છે ને તો તું મારી ડાળીઓ પર તારો માળો બાંધી શકે છે.’પંખી ખુશ થઇ ગયું અને જલ્દીથી સૂકા ઘાસ અને તણખલાંઓ વીણી લાવીને ઝાડની એક સુરક્ષિત ડાળી શોધી તેની પર પોતાનો માળો બાંધવા લાગ્યું.માળો બંધાઈ ગયો.પંખીએ ઈંડાં મૂક્યાં અને સેવ્યાં.સમય આવ્યે તેમાંથી નાનાં નાનાં કુમળાં બચ્ચાં બહાર આવ્યાં.

વરસાદની મોસમ શરૂ થઇ અને  દિવસ રાત્રે મુશળધાર વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું અને આ ભારે વરસાદના તોફાની વાતાવરણમાં પેલું ઘટાદાર ઝાડ, જેણે પંખીને પોતાની ડાળીઓ પર માળો બાંધવાની ના પાડી હતી તે ટકી ન શક્યું અને તૂટી ગયું અને પૂરમાં તણાવા લાગ્યું.બાજુના ઝાડ પર પોતાની પાંખમાં બચ્ચાંઓને વરસાદથી બચાવતું પંખી થોડું કટાક્ષમાં હસ્યું અને બોલ્યું, ‘આ છે કર્મનો બદલો.અહીંનું અહીં જ ચુકવવું પડે છે.તમે મને માળો બાંધવાની ના પાડી અને જોયું, મારો માળો આટલા વરસાદમાં આ ઓછા ઘટાદાર ઝાડ પર સુરક્ષિત છે અને તમે તૂટીને પૂરમાં તણાઈ રહ્યા છો.’

આ સાંભળીને તૂટેલું ઝાડ બોલ્યું, ‘પંખી, તું ઉનાળાના છેલ્લા દિવસોમાં મારી પાસે આવ્યું હતું અને મને ખબર જ હતી કે હવે મારાં મૂળિયાં કમજોર થઇ ગયાં છે અને થોડા દિવસોમાં વરસાદની મોસમ શરૂ થશે અને જો ભારે વરસાદ આવ્યો તો હું હવે આ વર્ષે ભારે વરસાદમાં ટકી નહિ શકું.અને જો હું તોફાનમાં પડી ભાંગુ તો તારા માળા અને તેમાં રહેલાં નાનાં બચ્ચાંનું શું થાય? એટલે મેં તને મારી ડાળી પર માળો બાંધવાની ના પાડી હતી.અત્યારે તું જ વિચાર, તારો માળો અને બચ્ચાં સુરક્ષિત છે.જો તેં તારો માળો મારી પર બાંધ્યો હોત તો મારી સાથે તારો માળો અને બચ્ચાં પણ પૂરમાં તણાતાં હોત.’ પંખી ઝાડનો જવાબ સાંભળીને સાવ ચૂપ થઈ ગયું.તેને પોતાના બોલેલા શબ્દો અને પોતાની સમજ પર અફસોસ થયો અને તે માફી માંગે તે પહેલાં તો ઝાડ પૂરમાં તણાઈને દૂર વહી ગયું હતું. આપણે જીવનમાં અન્યના આપણને અનુકૂળ ન હોય તેવા વર્તનથી તેમના વિષે કંઈ પણ નક્કી કરી લઈએ છીએ.ઘણી વાર આપણી સમજ અને માન્યતા ખોટા હોઈ શકે. તેમના વર્તન પાછળનું સાચું કારણ આપણે જાણતા ન પણ હોઈએ એટલે કોઈ વિષે પણ અભિપ્રાય આપવા પહેલાં, કૈંક નક્કી કરી લેવા પહેલાં, ઊંડો વિચાર કરવો.હકીકત કૈંક જુદી હોઈ શકે, જેનાથી તમે અજાણ હો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top