Madhya Gujarat

આણંદની સોસાયટીના રહીશોને બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વળતર ન મળતાં રોષ

આણંદ : આણંદમાં સમરખા ચોકડી પાસેની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા સંપાદીત કરવામાં આવી છે. પરંતુ ત્યાના રહીશોને બીન ખેતી જમીનનું વળતર આપવા માટે સરકાર દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. જે અતંર્ગત સામરખા ચોકડીની આયશા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આણંદની સમરખા ચોકડી ઉપર હાથ ધરવામાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા બીન ખેતી જમીન ( આયશા પાર્ક) સંપાદીત કરવામાં આવી છે. જોકે આ જમીનના વળતરરૂપે સોસાઈટીની રહીશોને આજ સુધી કંઇપણ ચૂકવવામાં આવ્યું નથી અને લેખીત નોટીશ પણ આપી જાણ કરવામાં આવી નથી. જેના સંદર્ભમાં ત્યાના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સામરખા તા.જિ. રે.સ.નં. 737-738અ (આયશા પાર્ક) બીનખેતી જમીન સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદીત કરવામાં આવી હોવા છતા સોસાઈટીના રહીશને વળતર આપવામાં આવ્યું નથી. તે અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઓફીસમાં વારવાંર રજુઆત કરવા છતા અરજદારોને ડી.એલ આર ઓફિસમાં જાવ અને ત્યાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઓફીસમાં જાવ તેમ જણાવીને ધક્કા ખવડાવે છે. સાથે સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સીમાચલ પાંડેને પણ વળતર માટે બે વર્ષથી રૂબરૂ રજુઆત કરવામાં આવી છે. તેમ છતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.  સંપાદીત જમીનમાંથી બાંધકામ કરેલ ચાર વ્યક્તિને મકાન બાંધકામનું વળતર આપવામાં આવે છે. આ વાતની રજુઆત કલેક્ટરની કચેરીમાં રુબરુ લેખીતમાં કરવામાં આવી છે, જેનો પુરાવો અમારી પાસે છે. આથી, કલેક્ટરને 10 દિવસમાં વળતરની રકમ ચૂકવવા નમ્ર વિનંતી છે. તેમ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top