બારડોલી: (Bardoli) બારડોલીના સુરાલી ગામે જયહિંદ મિલ ફળિયાની પાણીની ટાંકી (Water Tank) સામે વાપી-શામળાજી હાઇવે (Highway) પર અજાણ્યા વાહનની અડફેટે 23 વર્ષીય યુવકને અડફેટે લેતાં ધડથી માથું અલગ થઈ જતાં મોત નીપજ્યું હતું.
- સુરાલીમાં અજાણ્યા વાહનની અડફેટે યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું
- સરફુદીન બુધવારે સાંજે આઠેક વાગ્યાના સુમારે રેલવે કોલોનીમાં મેચ જોવા માટે જવાનું કહી ઘરથી નીકળ્યો હતો
બારડોલીના સુરાલી ગામે જયહિંદમિલ ફળિયામાં રહેતા નઝીર સરફુદ્દીન કાજી સુગર ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે. પરિવારમાં પત્ની નુરજહાં અને ત્રણ પુત્રો ઇમરાન, અક્રમ અને સરફુદીન નઝીર કાજી (ઉં.વ.23) છે. જે પૈકી સૌથી નાનો સરફુદીન બુધવારે સાંજે આઠેક વાગ્યાના સુમારે રેલવે કોલોનીમાં મેચ જોવા માટે જવાનું કહી ઘરથી નીકળ્યો હતો. દરમિયાન ગુરુવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ ફળિયામાં રહેતા ટીપુભાઇ વનમાળીભાઈ ચૌધરીએ નાઝીરભાઈને તેમના પુત્રનો અકસ્માત થયો હોવાની જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં વાપી-શામળાજી હાઇવે પર સરફુદીનની લાશ પડી હતી. જેનાં માથું અને ધડ બંને અલગ હતાં. સરફુદીન રસ્તો ક્રોસ કરતો હશે તે સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી ગયો હોવાનું પરિવારજનોનું અનુમાન છે. પિતા નઝીરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બારમાની વિધિમાંથી પરત ફરતા માખીગાના શ્રમિકનું વાહન અડફેટે મોત
પલસાણા: પલસાણાના માખીગાના ડુંગળી ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રકાશ મોહન રાઠોડ (ઉં.વ.૪૦) ગત તા.૨૩ મેના રોજ પલસાણામાં રહેતા તેમના સંબંધીને ત્યાં બારમાની વિધિમાં રાત્રે ભજન હોવાથી ત્યાં ગયા હતા. બાદ મોડી રાતે પગપાળા ચાલતા બલેશ્વરમાં સંસ્કાર સ્કૂલની સામે ને.હા.નં.૪૮ પરથી પસાર થતી વખતે અજાણ્યા વાહનચાલકે પ્રકાશભાઇને અડફેટે લેતાં ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે પલસાણા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.