બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં નસુરા અને વઢવાણીયા ગામે ખાડીના પાણી ફરી વળતાં કેટલાક ફળિયાઓ સંપર્ક વિહોણા બની ગયા હતા. નસુરામાં ખાડી પૂરને (Flood) કારણે ચાર ફળિયાનો સંપર્ક ગામ સાથે કપાય ગયો હતો. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફળિયાઓની ચારેબાજુ પાણી પાણી જ હોય લોકોએ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં તરત બારડોલી તાલુકા મથકેથી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગામની મુલાકાત લીધી હતી.
બારડોલી તાલુકામાં મધ્યરાત્રિ બાદ ભારે વરસાદ વરસતા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને પણ ધમરોળી નાખ્યું હતું. નસુરા ગામની વચ્ચેથી પસાર થતી ખાડીમાં પૂર આવતા ગામના ચાર ફળિયાને મુખ્ય ગામને જોડતો પુલ પાણીમાં ગરક ગયો હતો. ગામના નવું ફળિયું, ગૂંદી ફળિયું, મહુડી ફળિયું, ટેકરા ફળિયુંનો સંપર્ક કપાય જતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોય ગામમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. ચારેય ફળિયાના લોકોને બહાર નીકળવા માટે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ ન હોય ગોંધાય રહેવું પડ્યું હતું. મોડી સાંજે પણ પાણી ઉતર્યા ન હોય લોકોને મુશ્કેલીમાં વધારો થયો હતો. ખાડીમાં પૂર આવતા ગામના મંદિર સુધી પાણી આવી ગયા હતા. ગામની 800 લોકોની વસ્તી સંપર્ક વિહોણી બનતા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારે વારાફરતી ગામની મુલાકાત લઈ લોકોને પાણીમાં ન ઉતરવાની સલાહ આપી હતી.
બીજી તરફ વઢવાણિયા ગામમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. નસુરા અને વઢવાણિયાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગામના ચૌધરી ફળિયા, લીમડી ફળિયા, માહયાવંશી ફળિયા અને મસાડ ફળિયા સંપર્ક વિહોણા થયા હતા.
બારડોલી તાલુકામાં ઉતારા વધાવા કરચકા રોડ, વાંકાનેર પારડી વાલોડ રોડ, બાલદા જુવવાણી રોડ, જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, રામપુરા એપ્રોંચ રોડ(પી.એમ.જી.એસ.વાય), ખરવાસા મોવાછી જોઇનીંગ સામપુરા રોડ, નસુરા મસાડ નવી વસાહત, નસુરા મસાડ વગા રોડ, ટીમ્બરવા કરચકા રોડ, વડોલી બાબલા રોડ, સુરાલી કોતમુંડા થી બેલ્ધા રોડ, વડોલી અંચેલી રોડ, સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, રાયમ ગામે વોરટરવર્કથી સ્મશાન તરફ જતો રોડ, ઉવા કાપલીયા ફળિયા રોડ અને ખરડ એપ્રોચ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નાગરિકો નજીકના રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.