સુરત : અયોધ્યામાં (Ayodhya) 22મી જાન્યુઆરીએ યોજનારા ઐતિહાસિક રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. દેશભરના કરોડો લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સૌ કોઈ આ શુભપ્રસંગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશ આખો રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવમાં લીન છે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો પણ થઇ રહ્યા છે. આ કડીમાં જ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી (Mahendi) મુકવાનો પણ ક્રેઝ જોવાં મળી રહ્યો છે.
સુરતમાં (Surat) એનઆરઆઈ (NRI) પટેલ પરિવારમાં પુત્રીના લગ્નપ્રસંગે ઘરના 65 જેટલાં સભ્યોએ હાથ પર “જય શ્રી રામ” અને “સીતા રામ” લખેલી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે. શુકનવંતી મહેંદીના રંગ સાથે રંગાઇને આ પરિવારે ભારતીય સંસ્કૃતિના જતન સાથે ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે. તેમણે રામ મંદિર માટે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે.
સુરતના પટેલ પરિવારે પુત્રી જાસ્મીનના લગ્નપ્રસંગે આકર્ષક ડિઝાઇનની લેટેસ્ટ થીમ આધારિત મહેંદી મુકવાનો આગ્રહ કરતાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મુકવાનો આઇડિયા ઉદ્ભવ થયો. જેમ ભગવાન રામના અયોધ્યા આગમન વખતે અનેરા ઉત્સાહનો સમય હતો તેવી જ રીતે મહેંદીના રંગ અને ડિઝાઇનને જોઇ મન ખુશીથી ઝુમી ઉઠે તેવી અને અનેરા ઉત્સાહની પ્રતીતી થાય તે રીતે મહેંદીની ડિઝાઇનની થીમ તૈયાર કરવામાં આવી છે.
સુરતના મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે પટેલ પરિવારની પુત્રી માટે અનોખી બ્રાઇડલ મહેંદીની થીમ તૈયાર કરી છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પરિવાર સાથે અને અનેક દેવી દેવતાઓ પ્રસંગમાં હાજરી આપવા આવતા હોય તેમજ મંદિરના વિભિન્ન દ્રશ્યો તેવી રીતે ખુશીના ઉત્સવ સાથેની વારલી આર્ટ સાથે મહેંદી મુકવામાં આવી છે, જે જોતા જ મંત્રમુગ્ધ થઇ જવાય છે. પટેલ પરિવારના 65 જેટલાં સભ્યોએ હાથ પર “જય શ્રી રામ” અને “સીતા રામ” લખેલી અને આબેહૂબ ઉત્સવનો માહોલ હોય તેવી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે.