ટીકુ વેડ્સ શેરુ’થી કંગના રણૌત નિર્માત્રી તરીકે કારકિર્દી આરંભી રહી છે. કેટલાય વખતથી તેની એકેય ફિલ્મ રજૂ નથી થઇ અને હવે થઇ રહી છે પણ નિર્માત્રી તરીકે. જે નિર્માતા હોય તેઓ ફિલ્મ રજૂ થતી હોય ત્યારે ખુશ નથી થતા, રજૂ થયેલી ફિલ્મ સફળ જાય ત્યારે ખુશ થતા હોય છે એટલે કંગનાની ખુશી માટે રાહ જુઓ. અત્યારે અવનીત કૌર જરૂર ખુશ હશે કારણ કે આ ફિલ્મની ‘ટીકુ’ તે છે. અવનીત એક લાંબી યાત્રા પછી આ ફિલ્મની હીરોઇન તરીકે આવી છે.
આજથી તેર વર્ષ પહેલાં તે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ની એક સ્પર્ધક હતી અને તે વખતે સેમી ફાઇનલ પહેલાં નીકળી જવું પડેલું પણ તમે જુઓ કે ત્યાર પછીના બીજા જ વર્ષે લાઇફ ઓકેની ‘મેરી મા’માં તે ઝીલમીલ તરીકે આવી. અભિનયની આ શરૂઆત પછી આઠેક ટી.વી. સિરીયલો અને બે વેબ સિરીઝનો ભાગ બની. તમે કહી શકો કે તેણે સફળતાનો લાંબો રસ્તો પાર કર્યો છે. હા, તે કાંઇ ટોપ સ્ટાર નથી બની ગઇ પણ કંગનાની ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સામે હીરોઇન હોય તો તે ઓછુ ન કહેવાય. અવનીત કૌર કશુંક એચિવ કરવા સતત પ્રયત્નશીલ રહી છે. ટી.વી. પર કામ કરવાની સમાંતરે તે ફિલ્મોમાં કામ કરતી રહી છે.
‘મર્દાની’ ફિલ્મ આમ તો રાની મુખરજીને કેન્દ્રમાં રાખી બનાવાયેલી પણ તેમાં તેણે ભજવેલી મીરાની ભૂમિકા પણ એવી જ મહત્વની હતી. ત્યારથી આજ સુધી તે નાની-મોટી ભૂમિકા કરતી આવી છે. આ વર્ષે તે ‘ચિડીયાખાના’માં મુખ્ય હીરોઇન તરીકે જ આવી હતી અને હવે ‘ટીકુ વેડ્સ શેરુ’ પછી ‘લવકી એરેન્જ મેરેજ’માં પણ તે સની સિંઘ સામે મુખ્ય ભૂમિકા જ કરી રહી છે. મોટા બેનરની ફિલ્મ ન હોય, ટોપ હીરો ન હોય એટલે એવી ફિલ્મ નાની લાગે પણ અવનીત માટે તો આ ત્રણે ફિલ્મો મોટી છે. 2023ના વર્ષને તે પોતે મુખ્ય હીરોઇન બન્યાના વર્ષ તરીકે યાદ કરી શકે છે.
અનેક મ્યુઝિક વિડીયોમાં આવી ચુકેલી અવનીત કૌરનું વજૂદ કયારેય ઓછુ નથી થયું. અત્યારે પણ ‘ધ કાર હાઉસ’, ‘બ્રુની’ અને ‘ઇશુ ધ બાયોગ્રાફી’માં તે મુખ્ય નાયિકા તરીકે જ કામ કરી રહી છે. કદાચ આ વર્ષ જ અજાણી ગણાતી અભિનેત્રીઓની હીરોઇન તરીકે ઓળખનું જ વર્ષ છે. ‘ધ કેરાલા સ્ટોરી’માં અદા શર્માને સફળતા મળી જ છે. ટી.વી. સિરીયલમાં ય ‘અલ્લાદીન- નામ તો સુના હોગા’ 421 એપિસોડ ચાલી હતી અને તેમાં તે યાસ્મીન તરીકે લોકપ્રિય બનેલી. ‘ટીકુ વેડ્સ શેરુ’ એ રીતે ખાસ ગણાવી શકાય કે તે કંગનાએ બનાવી છે અને તેની ફિલ્મની સિકવલ નથી તો પણ સિકવલની ઇમેજ આપે છે. આ ફિલ્મ ભારત અને અન્ય કુલ 240 કન્ટ્રીઝમાં રજૂ થઇ રહી છે. આ એક કોમેડી ફિલ્મ છે પણ તેમાં વ્યંગ્ય ભરેલો છે. કંગના પણ કહે છે કે મારા માટે આ એક એકદમ ખાસ ફિલ્મ છે. •