સુરત: (Surat) શહેરમાં સ્નેચરો (Snatchers) બેફામ બનતાં હવે લોકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. પોલીસ કમિશનર એકબાજુ શહેરમાં મોટી ગેંગનો સફાયો કરી નાંખ્યાની વાતો કરે છે, પણ સામાન્ય માણસ રસ્તે ચાલતા બોલતા હવે સુરક્ષિત નથી તેવા સ્નેચરોની ગેંગને પકડવામાં પોલીસ કેમ ટૂંકી સાબિત થઈ રહી છે. પાર્લે પોઈન્ટ બ્રિજ (Parle Point Bridge) પર ત્રણ સ્નેચર મહિલાનો મોબાઈલ (Mobile) ખેંચીને ભાગતા હતા. ત્યારે એક યુવક સ્નેચરોનો પીછો કરવા જતાં યુવકને ચાલુ ગાડીએ મોં ઉપર ફેટ અને લાત મારી પાડી દીધો હતો. યુવકને ઇજાગ્રસ્ત (Injured) હાલતમાં નવી સિવિલમાં દાખલ કરાયો છે.
- ઉમરાગામમાં રહેતા 36 વર્ષીય નૈનેશ ચૌહાણ પાંડેસરાથી પરત ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ઘટના બની
- પલ્સર બાઈક પર આવેલા 3 ઈસમો મહિલાનો મોબાઈલ ખેંચીને ભાગતા હતા, ત્યારે નૈનેશ ચૌહાણે અટકાવવા પ્રયાસ કર્યો હતો
- લૂંટારા યુવકોએ માર મારતા નૈનેશ ચૌહાણને ઈજા પહોંચી હતી, હોઠ પર 3 ટાંકા આવ્યા
નવી સિવિલ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરાગામ ખાતે ક્ષેત્રપાળ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય નૈનેશભાઈ કિશોરભાઈ ચૌહાણને ગઈકાલે રાત્રે 108માં નવી સિવિલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે પાંડેસરાથી એક વેપારીને મળીને આવતા હતા. ત્યારે પાર્લેપોઈન્ટ બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે એક મહિલાનો મોબાઈલ પલ્સર બાઈક પર આવેલા ત્રણ ઈસમ ખેંચીને ભાગતા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં નૈનેશભાઈએ આ જોતાં સ્નેચરોની પાછળ ભાગ્યા હતા. એસવીએનઆઈટી સર્કલ સુધી પીછો કર્યો ત્યારે બાઈક પર સવાર ત્રણ પૈકી એક સ્નેચરે તેમને ચાલુ ગાડીએ મોં ઉપર ફેટ મારી હતી. અને લાત મારી પાડી દીધા હતા. લોકોની ભીડ ભેગી થતાં તેમને 108માં સિવિલમાં ખસેડાયા હતા. નૈનેશભાઈને હોઠ પર ત્રણ ટાકા આવ્યા હતા. અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું.
શહેરમાં સ્નેચરોનો વધતો આતંક, એક પછી એક શહેરીજનોને ટાર્ગેટ કરી રહ્યા છે
અડાજણ ખાતે શ્રીપદ ઇથીત કોમ્પ્લેક્સમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધા આશા ગિરીશચંદ્ર ગુપ્તા ગઈકાલે સાંજે ઘર નજીક ચાલવા નીકળ્યાં હતાં. પાલ ગૌરવ પથ થઇ કેનાલ તરફ જતી વખતે કાળા કલરની બાઇક પર આવેલા બે સ્નેચર આશાબેનના ગળામાંથી સોનાની સવા તોલા વજનની ચેઇન કિંમત રૂ.58 હજારની આંચકીને ભાગી ગયા હતા.