સુરત: (Surat) શહેરના મહિધરપુરા ખાતે રહેતા કર્મકાંડી બ્રાહ્મણની પત્ની માતા-પિતાથી અલગ રહેશે અને બધુ વસાવસે ત્યારે પાછા આવવાની જીદ સાથે પિયર જતી રહી હતી. પત્નીની જીદ પુરી કરવા બ્રાહ્મણ દિલ્હીગેટ ખાતે એટીએમ (ATM) તોડવા ગયો અને મુંબઈ એલાર્મ વાગતા પકડાઈ ગયો હતો.
- પત્ની માતા-પિતાથી અલગ રહી ઘર વસાવશે ત્યારે પાછા આવવાની જીદ કરી પિયર જતી રહી
- પતિ એચડીએફસીનું એટીએમ તોડવા ગયો પણ હેડ ઓફિસમાં એલાર્મ વાગતા જાણ થઈ ગઈ
મહિધરપુરા પોલીસના (Police) જણાવ્યા મુજબ પાર્થ ભીખાભાઈ રાવલ (ઉ.વ.23, રહે.ભવાનીવાડ સોમનાથ શેરીની સામે)ની પત્ની ત્રણેક મહિના પહેલા તેને છોડીને પિયર જતી રહી હતી. પત્નીએ પાર્થની સામે શરત મુકી હતી કે તે માતા-પિતાથી અલગ રહીને બધુ વસાવશે પછી જ તેની પાસે આવશે. પાર્થના પિતા ટીફીન સર્વિસનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને પાર્થ પોતે કર્મકાંડ કરતો હતો. પત્નીની જીદ પુરી કરવા માટે પાર્થે શોર્ટકટમાં રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું. અને દિલ્હી ગેટ ખાતે આવેલા એચડીએફસીના એટીએમમાં મશીન તોડવા પહોંચી ગયો હતો.
એટીએમ તોડતી વખતે મુંબઈની હેડ ઓફિસમાં (Mumbai Head Office) એલાર્મ વાગતા તાત્કાલિક સ્થાનિક ઓફિસમાં જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અડાજણ ખાતે માધવપાર્કમાં રહેતા અને સેફ સિક્યોર સર્વિસમાં નોકરી કરતા 40 વર્ષીય ગ્યાનદત્ત સુભાષ મિશ્રાએ આ અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રે આશરે એક વાગે અજાણ્યો વ્યક્તિ એટીએમનું અપલ ફએસીયા, હુડ લોક, પ્રેસેન્ટર મોડ્યુલ તોડી 94500 રૂપિયાનું નુકશાન કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન પાર્થને પકડી પાડ્યો હતો.
જોબવર્કના વેપારી સાથે 34 લાખની છેતરપિંડી
સુરતઃ પુણાગામ ખાતે આવેલા શિક્ષાપત્ર એવેન્યુમાં રહેતા મૂળ જૂનાગઢના 37 વર્ષીય નરેન્દ્રભાઇ શાંતીલાલ માંગુકિયા વરાછા સ્થિત નીલકંઠ સોસાયટીના ખાતા નંબર 100માં મિત્તલ આર્ટના નામે સાડીઓ પર વેલ્યુ એડિશનનું જોબવર્ક કરે છે. તેમની પાસ પુણાની અર્ચના સ્કૂલ પાસે હરીધામ સોસાયટી ખાતે રહેતા ભવાનભાઇ મથુરભાઇ હડિયા અને જુની બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવતા ભાવેશભાઇ ભગાભાઇ વાણિયાએ 34.03 લાખનું જોબ વર્ક કરાવ્યું હતું અને નાણા ચૂકવ્યા વગર ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.