Surat Main

અઠવા પોલીસનું નવું કારનામું: મહિલા કોન્સ્ટેબલે ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે તુંતુંમૈમૈ કરી

સુરત: સામાન્ય લોકોને હેરાન કરવામાં બદનામ થયેલી અઠવા પોલીસ (Athwalines police)નું નવું કારનામું બહાર આવ્યું છે. તેમાં ડી-સ્ટાફ (D staff)ની મહિલા કોન્સ્ટેબલે (Lady constable) ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh saghvi)સાથે તુંતુંમૈમૈ કરી છે. પહેલેથી જ અઠવા પોલીસ લોકો સાથે ગંદા વ્યવહાર માટે બદનામ છે.

ધારાસભ્યની હોદ્દાની ગરીમા નહીં જળવાતાં ધારાસભ્ય હર્ષ સંઘવી બગડ્યા હતા. તેમણે રેલવે મંત્રી દર્શના જરદોશ (Darshna jardosh)ની રેલીના સ્થળ પરથી તરત જ ફોન કરી કમિ. અજય તોમર (Ajay tomar)ને જાણ કરી હતી. દરમિયાન રેલવે મંત્રી દર્શના જરદોશની રેલી હોવાને કારણે સ્થળ પર ઊભેલા કાર્યકરો દ્વારા પણ અઠવા પોલીસ દ્વારા ગમેતેમ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ ધારાસભ્ય હર્ષ સંઘવીને કરવામાં આવી હતી.

આ ઉપરાંત બે દિવસ પહેલાં દેશવિરોધી લખાણ કરવા બદલ વિરોધ કરવા ગયેલા કાર્યકરો સાથે પણ અઠવા પોલીસ દ્વારા અસભ્ય વર્તન કરાયું હતું. આ ગંભીર મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ ત્વરિત અઠવા પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કમિ. અજય તોમરે આ મામલે મહિલા કોન્સ્ટેબલ અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હોવાની વિગત જાણવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માસ્ક કેમ્પેઇનમાં પણ સામાન્ય લોકોને રંજાડાતા હોવાની ફરિયાદ અઠવા પોલીસ સામે થઇ હતી. એ સમયે પણ કમિ. અજય તોમરે દરમિયાનગીરી કરવી પડી હતી.

હવે ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે જો તુંતુંમૈમૈ થતી હોય તો સામાન્ય લોકોને તો અઠવા પોલીસ ગણતી જ ન હોય એ સમજી શકાય તેમ છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરી અધિકારીઓનો નીચલા સ્ટાફ પર કાબૂ નહીં હોવાને કારણે અઠવા પોલીસની સંખ્યાબંધ ફરિયાદો છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવી છે. અલબત્ત, ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે અઠવા પોલીસ હવે ધારાસભ્યની ગરીમા પણ જાળવી રહી નથી.

Most Popular

To Top