Comments

તાપમાન વધે કે ઘટે તેમ ટ્વીટર પર નફરતનો પારો ઊંચે જાય છે

આપણે ત્યાં માણસને ગુસ્સો આવે ત્યારે મગજ પર બરફ મૂકવાની સલાહ અપાય છે. એમ બરફ દરેક જગ્યાએ હાજરાહજૂર હોતો નથી પણ કહેવાનો અર્થ એ કે મગજને ઠંડું રાખવાનું છે. તાપ, પસીનો અને ઉકળાટમાં મગજ ખરેખર ઊકળવા માંડે છે. તેમાં કોઈ નાપસંદ, અણગમતી વાત કરે અથવા કંટાળો આપે તો મગજ તત્કાળ ગુસ્સા સાથે પ્રતિક્રિયા આપે, સંબંધો બગડી જાય. જો કે માનવીની પ્રકૃતિ અને ઉછેર તેમાં મહત્ત્વના હશે, અમુક પ્રજાના લોહીના ગુણ જ ઊકળી ઊઠવાના હોય છે. ઠંડા વાતાવરણમાં રહેતા હોવા છતાં અમેરિકનો ખૂબ છેડાઈ પડે. અશ્વેત અમેરિકનો પણ પરંતુ ભારતીય લોકો અમેરિકામાં ઠંડાગાર. તેઓ ભારતની આટલી ગરમીમાં પણ એટલા ગરમ થતા નથી જેટલા અમેરિકનો સખત ઠંડીમાં થાય છે. કદાચ કોઈના પર આધારિત નહીં હોવાની સમાજ-વ્યવસ્થાનો પણ તેમાં ફાળો હશે.

છતાં લગભગ તમામનો અનુભવ છે કે ગરમીમાં મગજ શાંત રહેતું નથી. વિચારોની સુરેખતા રહેતી નથી. કામનો સુઝકો પડતો નથી. તમે ભર ઉનાળામાં ઘરમાં કોઈ વસ્તુ શોધી રહ્યા હો અને એ વસ્તુ, દસ્તાવેજની તમારે તાતી જરૂર હોય અને અચાનક વીજળી જતી રહે. એ વસ્તુ શોધવામાં લાગવો જોઈએ તેના કરતાં વધુ સમય લાગે શક્ય છે કે તમે નસીબ પર છોડીને વસ્તુ, કાગળ શોધવાનો પ્રયત્ન પડતો મૂકો. ફેંદવું જોઈએ તેના કરતાં વધુ ફેંદી નાંખો, ઘરમાં બધુ અસ્તવ્યસ્ત કરી નાંખો છતાં ચીજ ન મળે તો વધુ ગરમી થાય, વધુ ગુસ્સો આવે, ઊકળાટનું એક વિષચક્ર ચાલે.

ધન્ય છે ભારત જેવા ગરમ દેશોના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને. અગાઉ લોકો ઉનાળામાં ખૂબ વહેલા ઊઠીને ખેતીવાડીમાં કામ કરતા અને 10, 11 વાગે બંધ કરી દેતા. વળી સાંજે થોડું ઘણું કરતાં. બપોરે રાજકોટની માફક 4 વાગ્યા સુધી આરામ કરતા પણ હવે શહેરો મોટાં થયા, અંગ્રેજો 11થી 6 વાગ્યાનો લંડન ટાઈમ, ભારત માટે લાગુ પાડતા ગયા પછી લોકો બપોરના કામ કરે. અંગ્રેજો પોતે તો ગરમીમાં સિમલા જતાં રહેતા. જો કે એરકન્ડીશનરો આવ્યા પછી લોકો વધુ કોમળ બનવા લાગ્યા છે પણ બીજી બાજુએ ગરમીએ માઝા મૂકી છે.

આજકાલ કોમ્પ્યુટરો દ્વારા કામનું પ્રમાણ, કામનો પ્રકાર, લોકોની મનપસંદ, નાપસંદ વાતો વગેરેનો અભ્યાસ થઈ શકે છે કારણ કે કોમ્પ્યુટરો તમામ વિગતોની નોંધ અને ઈતિહાસ સંઘરી રાખે છે. કોમ્પ્યુટર પોતે જ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા તાપમાન અને કામનું પ્રમાણ અને તાપમાનમાં લોકોની બદલાતી પ્રકૃતિ અથવા સ્વભાવ વિશેનો સંબંધ તુરંત માપી આપે છે. આજકાલ તો લોકો ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર અને બીજી સાઈટો પર નાની અમસ્થી વાતોમાં મસમોટા ઝગડા કરી બેસે છે. કાયમી નફરત પકડી લે. જન્મજાત સ્ત્રીવિરોધી, અમુક ધર્મના વિરોધીઓ, સરકાર અને પક્ષના વિરોધીઓ, જ્ઞાતિ અને સમાજના વિરોધીઓ, લિબરલો, અતિ જમણેરીઓ, સાદા જમણેરીઓ, ડાબેરીઓ, મધ્યમ માર્ગીઓ એકબીજા સાથે ઝઘડી પડે છે. ગાળા-ગાળીઓ આદરી દે.

સોશ્યલ મીડિયાની પ્લેટફોર્મ કંપનીઓએ એક સાથે લાખો લાખો એકાઉન્ટો બંધ કરવાની ફરજ પડે છે. આ સ્થિતિના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. જેને જે જોઈતું હોય કે લેવું હોય તે મળે. આ થઈ અલગ વાત. પણ હમણાં એક અભ્યાસમાં એ સાબિત થયું છે કે અતિશય ગરમી હોય ત્યારે નફરતભર્યા ટ્વીટસ અને મેસેજોનો પારો અથવા પ્રવાહ વધી જાય છે. ટવીટરમાં એક વખત મેસેજ પોસ્ટ થઈ ગયા પછી ઘણાંને પાછળથી પસ્તાવો થાય ત્યારે ડિલિટ કરી નાંખે. ઘણાં તેને એડિટ કરીને હળવો, ઓછો ધારદાર બનાવવા માંગતા હોય તો એડિટિંગની સવલત ન હતી.

હવે ટ્વીટેરાટીની માંગણી બાદ મેસેજ એડિટ કરવાની સવલત ધીરેધીરે દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત કંપનીએ હમણાં કરી. શક્ય છે કે તાપમાન ઠંડું થયા પછી લોકોનો વિચાર બદલાતો હશે. અમેરિકામાં હમણાં લાખ કે કરોડ નહીં, પરંતુ 40 અબજ ટવીટનું પૃથક્કરણ કરાયું. વિજ્ઞાનીઓને જણાયું કે જ્યાં જ્યાં તાપમાન 42 સેન્ટીગ્રેડથી ઊંચે ગયું ત્યાં નફરત ભરેલા ટ્વીટસમાં 22 % જેટલો વધારો થયો. આપણે ગરમી વિષે જાણીએ. પણ અતિશય ઠંડીમાં પણ લોકો અસહજ બનતા હોય છે. મગજનો પારો બરાબર રહેતો નથી. અમારા એક વડીલને ભૂખ લાગે ત્યારે સમયસર જમવાનું ન મળે તો એમનો પિત્તો જતો રહેતો હતો. આમ હવામાન અને ભૂખ સાથે મગજનો પારો પણ ઊંચે નીચે જાય.

જે પ્રદેશમાં તાપમાન માઈન્સ 3 ડિગ્રીથી નીચે જાય છે ત્યાં પણ રાગદ્વેષ અને નફરતભર્યા ટ્વીટસ અને મેસેજોમાં 12 %ની વૃદ્ધિ જોવા મળતી હતી. આ અભ્યાસનાં પરિણામો ‘ધ લાન્સેટ પ્લાનેટરી હેલ્થ’ નામક સાયન્સ જનરલમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. મતલબ કે ગુસ્સે ન થવું હોય તો મોબાઈલ, લેપટોપ બાજુએ મૂકી અતિ ઠંડીમાં ગોદડી ઓઢીને સૂઈ જવું બહેતર છે. પોસ્ટડામ ઈન્સ્ટિટયુટ ફોર ક્લાયમેટ ઈમ્પેક્સ રિસર્ચના વિજ્ઞાનીઓ દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો હતો. તેઓના કહેવા મુજબ ઠંડી કે ગરમીમાં અતિશય વૃદ્ધિ કે ઘટ નોંધાય ત્યારે લોકોના વાણીવર્તનમાં, બિહેવિયરમાં પણ ફરક પડે છે. વર્ષ 2014થી 2020 દરમિયાન અમેરિકાના 773 શહેરોના લોકોએ મોકલેલા ટ્વીટસનો અભ્યાસ કરાયો હતો.

આ માટે સંશોધકોએ મશીન-લર્નિંગ અલગોરિધમ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. જેમાં નફરત ભરેલા શબ્દો, શબ્દપ્રયોગો, ગાળો અને વાક્યોને શોધી કાઢવાના હતા આ વાક્યો શબ્દો વગેરે કોમ્પ્યુટરોમાં ફીડ કરવામાં આવતા હતા. આવા વાક્યો, શબ્દો ધરાવતાં સાડા સાત કરોડ ટ્વીટસ મળ્યા હતા જે કુલ સેમ્પલના 2 % હતા. તે નફરતયુક્ત વાક્યોનું ફરીથી કોમ્પ્યુટરો દ્વારા એનેલિસિસ કરાયું અને તેની સાથે જેતે સમયે જેતે શહેરના વાતાવરણને સરખાવવામાં આવ્યું.
વિજ્ઞાનીઓએ જણાવ્યું કે જ્યારે તાપમાન 15 થી 18 સેન્ટીગ્રેડની વચ્ચે હતું ત્યારે ટવીટર પર સૌથી ઓછી ગાળાગાળી થઈ હતી અથવા નફરતયુક્ત ભાષા સૌથી ઓછી વપરાઈ હતી. પરંતુ જ્યારે તાપમાન 12 સેન્ટિગ્રેડથી નીચે ગયું અથવા 21 સેન્ટીગ્રેડથી ઉપર ગયું ત્યારે વાણીમાં તેનો પ્રભાવ જણાવા માંડયો અને જેમ તાપમાનમાં વધારો કે ઘટાડો આત્યંતિક બન્યો ત્યારે નફરતમાં પણ નાટ્યાત્મક વધારો જણાયો.

આ વધારો કે ઘટાડો તમામ વર્ગના લોકોમાં એક સરખો જોવા મળ્યો હતો. આવક અને કૌટુંબિક બ્રેક ગ્રાઉન્ડની તેના પર કોઈ અલગ અલગ અસર જોવા મળી ન હતી. ગુસ્સા સબ કો આતા હૈ….. વિજ્ઞાનના નિષ્ણાતો કહે છે કે કામના સ્થળે યોગ્ય તાપમાન જાળવીને એખલાસભર્યં વાતાવરણ (બંને રીતે) પેદા કરવામાં અને કામનું યોગ્ય પ્રમાણ (આઉટપુટ) વધારવાની દિશામાં આ અભ્યાસ મદદરૂપ પુરવાર થશે. ગયા જૂનમાં ફેસબુક પર અંગ્રેજી સિવાયની ભાષામાં એવી જાહેરખબરો સ્વીકારીને આરોપ મુકાયો હતો જેમાં અમુક ધર્મ કે જૂથના લોકોની હત્યા કરવાનો મેસેજ અપાયો હતો. હકીકતમાં એક સંશોધકે ફેસબુક પર કેવા કેવા પ્રકારની જાહેરખબરો સ્વીકારવામાં આવે છે અને તે પ્રસિધ્ધ કરતા અગાઉ ફેસબુક દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવા ધારી હતી.

એ સંશોધક દ્વારા એવી બનાવટી જાહેરખબર ફેસબુકને સોંપવામાં આવી તો તેનો સ્વીકાર થઈ ગયો. જો કે સંશોધકે પોતે તકેદારી લીધી હતી તેથી તે જાહેરખબર પ્રસિદ્ધ ન થઈ પણ ફેસબુકમાં લોલમલોલ ચાલે છે તે પુરવાર થયું હતું. નફરતના મેસેજોનો ભોગ આજકાલ 40 ટકા અમેરિકનો બની રહ્યા છે. તેના કારણે ચિંતા, તનાવ અને હતાશા જેવી માનસિક બીમારી ફેલાય છે અને વકરે છે. આવી નફરત મોકલનાર પણ બીમારીનો ભોગ બને છે. હોય તો વધુ વકરે છે. જે સ્ત્રીઓ સોશ્યલ મીડિયા પર છે. 75 ટકા કોઈક ને કોઈક પ્રકારની સતામણીનો ભોગ બનતી હોય છે. તેને આ માટે સોશ્યલ મીડિયા કહેવામાં આવે છે તે જ સમજાતું નથી. વાસ્તવમાં તે એન્ટિ-સોશ્યલ મીડિયા છે.

Most Popular

To Top