સુરત(Surat): ગુજરાતમાં (Gujarat) અને દેશનાં અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદની (UnseasonalRain) અસર સામાન્ય રીતે ડિસેમ્બરમાં સસ્તી મળતી લીલી શાકભાજીના (Green Vegetables) ભાવો પર પડવાની શક્યતા છે. માવઠાથી ગુજરાતના ખેડૂતોને (Farmers) વ્યાપક નુકસાન થયું છે. સુરત સહિત રાજ્યભરની એપીએમસીઓમાં (APMC) સિઝનલ શાકભાજીના વેચાણ ભાવો પર પડી છે.
સુરત એપીએમસીમાં આજે એક જ દિવસમાં કોથમીર, ફૂદીના, પાપડી, તુવેર, ટામેટાં, પરવળના ભાવ એક જ દિવસમાં 25થી 30% વધી ગયા હતા. એના લીધે રિટેઇલ માર્કેટમાં પાપડી, તુવેર, પરવળના ભાવો સીધા 60થી 80 રૂપિયે કિલો થઈ ગયા છે. કોથમીરના ભાવ 60થી 70 રૂપિયે કિલોથી વધી સીધા 100થી 110 થઈ ગયા છે.
લીલું લસણ 60થી 70 રૂપિયે કિલો મળતું હતું એ સીધું 90 રૂપિયે કિલો થઈ ગયું છે. 30 રૂપિયે કિલો વેચાતાં ટામેટાં સીધા 60 રૂપિયે કિલો થઈ ગયાં છે. છોટા ઉદેપુરના બોડેલી વિસ્તારમાં ટામેટાંનો પાક નાશ પામતાં એની અસર સુરતમાં પડી છે.
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, માવઠાથી કોથમીર અને પુદીનાના પાકને મોટું નુકસાન થયું છે. જે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. એ પાક ક્યાંક તો ખલાસ થઈ ગયો છે અથવા એમાં જીવાત પડવાનો ભય છે. શિયાળામાં ડિસેમ્બરના પ્રથમ વીકમાં જે શાકભાજીનો પાક માર્કેટમાં આવતો હોય છે, એ આ ડિસેમ્બરમાં થોડોક મોંઘો પડશે. મહારાષ્ટ્ર, કર્ણાટકથી કેવી આવક રહેશે એના આધારે ભાવની વધઘટ થશે.
સુરત જિલ્લામાં પાપડી, તુવેરસિંગ, ટામેટાં, કેળાં અને ધાણાના પાકને ખૂબ મોટું નુકસાન: રમેશ ઓરમા
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ(ઓરમા)એ જણાવ્યું હતું કે, ખેડૂત સમાજની ટીમે સોમવારે સુરત જિલ્લાનાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાનાં ગામોની મુલાકાત લીધી હતી. સુરત જિલ્લામાં પાપડી, તુવેરસિંગ, ટામેટાં, કેળાં અને ધાણાના પાકને ખૂબ મોટું નુકસાન છે. આખેઆખો તૈયાર માલ પડી ગયો છે. સુરત જિલ્લામાં જે ખેડૂતે ઘઉંની વાવણી કરી છે એમને વાવણી, ખાતર અને બિયારણનું નુકસાન થયું છે. જે ખેડૂતોએ પશુ ઘાસચારો ખેતરમાં ગાંસડી બાંધી રાખ્યો એ પલળીને ખરાબ થઈ ગયો છે. એ પણ મોટું નુકસાન છે.
ગયા વર્ષે પણ સુરત જિલ્લાના ખેડૂતોને એક ફદિયાનું વળતર મળ્યું નથી: ખેડૂત સમાજ
ખેડૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં આ વખતે માત્ર માવઠું નહીં પણ વાવાઝોડું પણ દરિયાઈ વિસ્તારમાં ત્રાટક્યું હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 3થી 10 વીઘાંમાં ખેતી કરતા ઘણા નાના ખેડૂતો બે વર્ષમાં બે વાર નુકસાન વેઠી બરબાદ થયા છે.
ત્યારે રાજ્ય સરકારે માવઠાથી થયેલા નુકસાનને બદલે વાવાઝોડાના હિસાબે તાત્કાલિક સરવે કરાવી સહાય જાહેર કરવી જોઈએ. ખેડૂતને કુલ નુકસાનીની ટકાવારીમાં વળતર આપવું જોઈએ. ગયા વર્ષે પણ સુરત જિલ્લાના 5 તાલુકામાં કમોસમી વરસાદથી મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન થયું હતું.
સરકારે જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે સરવે પણ કરાવ્યો હતો. પણ 2 ઇંચ વરસાદ પડ્યો ન હોવાનું ટેક્નિકલ કારણ ધરી સરકારે એકપણ રૂપિયાની સહાય સુરત જિલ્લાના ખેડૂતોને કરી ન હતી. આ વર્ષે ખેડૂત સમાજ પોતાની રીતે પણ વિગતો મેળવી રહ્યું છે. જો આ વર્ષે કુદરતી આપદા વાવાઝોડા મુજબની સહાય નહીં મળે તો ખેડૂત સમાજ આંદોલન છેડશે.