અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી વિજય રૂપાણીની સરકાર હતી. આ સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતી હતી. જેના કારણે સંપૂર્ણ પણે નિષ્ફળ રહી હતી. ગુજરાતમાંથી (Gujarat) ભ્રષ્ટાચાર નાબુદ કરે અને ડબલ રિમોટથી ચાલતી સરકારે (Government) લોકોને જે પીડા આપી હતી, તેના ઉપર મલમ લગાડવાનું કામ કરાશે તેવું લાગતુ હતું, પરંતુ ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે ફરી રિમોટ કંટ્રોલ થી ચાલી શકે તેવા જ નેતાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ છે, તેવું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂંક અંગે પ્રતિક્ર્યા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોનામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા, લાખો લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા, લાખો યુવાનો બેરોજગાર થઈ ગયા. જેની પ્રતિતિ થયા બાદ રિમોટ કંટ્રોલના સંચાલકોએ વિજય રૂપાણી જગ્યાએ બીજો નેતા બનાવવાનું નક્કી કર્યું, સૌને આશા હતી કે એવા કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે ને જવાબદારી અપાશે જે સ્વતંત્ર પણે પાટા ઉપરથી ઉતરી ગયેલ ગુજરાતની ગાડીને ફરી પાટે ચડાવવા સક્ષમ હોય. કોઈ એવો નેતા હોય જે ગુજરાતમાં શાંતિ સ્થાપે, ગુજરાતમાંથી ગુંડાગીરી નાબુદ કરે, પરંતુ આવું કશું જ બન્યું અને ફરી પાછા રિમોટ કંટ્રોલ થી ચાલી શકે તેવા જ નેતાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ છે. જે દુઃખદ બાબત છે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદગી બદલ મારી શુભકામના છે, પરંતુ તેમણે હજી ધારાસભ્ય તરીકે પણ પાંચ વર્ષ પૂર્ણ કરેલા નથી. કોર્પોરેશનના મેયર તરીકે કામગીરીનો પણ અનુભવ નથી. છતાં આવા બિનઅનુભવી વ્યક્તિને ગુજરાતની આટલી મોટી જવાબદારી સોપી દેવામાં આવી. એટલે સ્વાભાવીક છે કે આ સરકાર ઉપર પણ દિલ્હી અને સી.આર.પાટીલના રિમોટનો સંપૂણ કંટ્રોલ રહેવાનો છે. વધુ એક રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ગુજરાતની જનતા ઉપર થોપી દેવામાં આવી છે. આવી સરકાર પાસે કોઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે.
ભાજપે તેની પરંપરા મુજબ ફરીથી ગુજરાતની જનતા સાથે મજાક કરી છે – આમ આદમી પાર્ટી
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થતાં જ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે. ભાજપે તેની પરંપરા મુજબ ફરીથી ગુજરાતની જનતા સાથે મજાક કરી છે. સામાન્ય પ્રજાની મુશ્કેલીઓને ન સમજી શકનાર ભષ્ટ ભાજપ હવે લોકોની મુશ્કેલીઓમાં વધારો કરવામાં કોઈ જ કસર બાકી નહીં રાખે, તેવું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા એક વિડિયો શેર કરીને નવા મુખ્યમંત્રીને શુભેચ્છા આપતા ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે ગુજરાત ભાજપના છેલ્લા મુખ્યમંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ. સંવેદનસીલ સરકાર પછી ભાજપનું નવું નજરાણું લોકા-વિમુખ સરકાર આ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.