મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના કાર્યક્રમો સામે સોમવારે આંદોલનનો સમાંતર કાર્યક્રમ યોજવાના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે ‘આરોગ્ય બચાવો અભિયાન’ અંતર્ગત ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે મોઢવાડિયા સહિત કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
ધરણા કાર્યક્રમને સંબોધન કરતાં મોઢવાડિયાએ કહ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ ખુલીને બહાર આવી ગઈ હતી. રાજ્યમાં કોરોના દર્દીઓને હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઈન્જેક્શનના અભાવે અનેક લોકો તરફડીને મોતને ભેટ્યા છે, સુવિધાઓની વાત તો દુર રહી લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે દિવસો સુધી ધક્કા ખાવા પડ્યા હતા. માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરોમાં જ કોરોનાની બીજી લહેર દરમિયાન 2400થી વધુ કોરોના દર્દીઓ સારવાર નહીં મળતાં ઘરે જ મોતને ભેટ્યા હતા. લોકોએ પોતાના સ્વજનોને બચાવવા માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના બીલ ચુકવવા પડ્યા હતા. આ માટે નાણાંની વ્યવસ્થા કરવા સોનું પણ વેચવું પડે તેવી હાલત થઈ ગઈ હતી.
ભાજપ સરકાર લાજવાની જગ્યાએ લોકોના જખ્મો પર મીઠું ભભરાવી રહી છે: મોઢવાડિયા
મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકારની લાપરવાહીના કારણે ગુજરાતમાં 2 લાખથી વધુ લોકોના મોત થયા, હજારો બાળકો નિરાધાર થયા છે. તેમ છતાં આ બધી પરિસ્થિતિ માટે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી હોય તેમ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુર્ણ થયાની સિદ્ધીઓની ઉજવણી કરીને લોકોના જખ્મો પર મીઠું ભભરાવી રહી છે. આજે પણ હોસ્પિટલોમાં નિષ્ણાત ડોક્ટરોની 80% ટકા જગ્યાઓ ખાલી છે, સરકારી હોસ્પિટલો આઉટ સોર્સિંગ સ્ટાફથી ચાલી રહી છે, ખાનગી હોસ્પિટલોને લોકોને લૂંટવાના ખુલ્લા પરવાના અપાયા છે. ઉત્સવ ઉજવીને ભાજપ સરકાર લોકોની ક્રુર મશ્કરી કરી રહી છે.