આજે જગત આખામાં લોકતંત્ર ભીંસમાં છે, સર્વત્ર લોકતંત્ર સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ રહ્યું છે પરંતુ એમાં પણ લોકતંત્ર સામે સૌથી મોટું સંકટ હોય તો એ ભારત અને અમેરિકામાં. વસ્તીની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ અને સમૃદ્ધિની દૃષ્ટિએ જગતનો સૌથી શ્રીમંત દેશ. આ બન્ને દેશો હજુ ગઈકાલ સુધી તેની ઉદારમતવાદી લોકતાંત્રિક પરંપરા માટે ગર્વ અનુભવતા હતા. ભારતમાં પ્રવેશતા પાકિસ્તાનીને ચીડવવા માટે કે પછી પ્રેરિત કરવા માટે અથવા તો પછી ગર્વ લેવા માટે અમૃતસર નજીક વાઘા બોર્ડર પર મોટું વિશાળકાય હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે જે જગતના સૌથી મોટા લોકશાહી દેશમાં આગંતુક મહેમાનનું સ્વાગત કરે છે.
તો પછી આવું બન્યું કેમ? અને ખાસ કરીને જગતના તમામ લોકશાહી દેશોમાં ભારત અને અમેરિકાનાં લોકતંત્ર જ કેમ સૌથી વધુ ભીંસમાં છે? આનાં કારણો તપાસવાં જોઈએ. જો કારણો શોધવામાં આવશે તો ઉકેલ પણ જડશે. બન્ને દેશો માટે એક કારણ સમાન છે અને એ છે લોકતંત્ર સામેના સંભવિત પડકારો સામે આંખ આડા કાન કરવા. પડકારો દાયકાઓથી નજરે પડી રહ્યા હતા. ફેડરલ અમેરિકામાં ફેડરલ ઢાંચાને લગતા પ્રશ્નો વિચિત્ર છે. વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશમાં આવી પણ વિચિત્રતા અને વિસંગતતા હોય એવો પ્રશ્ન પેદા થાય. થયા પણ છે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પધ્ધતિ વિચિત્ર છે. આ સિવાય સત્તાની વહેંચણીને લગતા પણ પ્રશ્નો છે પણ અમેરિકનોએ તેની પરવા કરી નહોતી. લોકશાહી કામ કરે છે ને! જગતમાં ડંકો વાગે છે ને! વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશ તરીકેની અમેરિકા ઓળખ ધરાવે છે ને! ઘરઆંગણે લોકતંત્ર ભલે વિસંગતિગ્રસ્ત હોય પણ જગતમાં બીજાના સ્વાતંત્ર્યની ઐસીતૈસી કરીને દાદાગીરી કરવા મળે છે ને!
બસ પછી બીજું શું જોઈએ? કોલર ઊંચા કરીને જગતના કાજી બનીને ફરવામાં અમેરિકાએ વર્ષો વેડફી નાખ્યાં. પાછો કાજી પણ પ્રમાણિક નહીં, પક્ષપાતી અને ઉપરથી સમૃદ્ધિ પણ સાચી નહીં, ચળકાટવાળી. આ સિવાય પણ એક કારણ હતું. અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. રાજ્યોએ સાથે મળીને અમેરિકાની રચના કરી છે તે અમેરિકન રાજ્યો નથી. ભારત પણ રાજ્યોનો સંઘ છે પણ તે ભારતીય રાજ્યો છે. ભારતનાં રાજ્યો વહીવટી સુગમતા માટે રચવામાં આવ્યાં છે જે વધુમાં વધુ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે અને તે બહુ મર્યાદિત અર્થમાં રાજકીય છે. માટે ભારતમાં આઝાદી પછીથી રાજ્યોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે અને થઈ રહ્યો છે.
ભારતથી ઉલટું અમેરિકન રાજ્યો મૂળભૂતપણે રાજકીય છે. અમેરિકાનાં રાજ્યો અમેરિકન રાજ્યો બનવા તૈયાર નહીં થાય એવો અમેરિકનોને ડર છે. 1865 માં આ રાજ્યોએ સંગઠીત અમેરિકા સામે અસ્તિત્વનું સંકટ પેદા કર્યું હતું અને અમેરિકા ટુકડા થતા થતા બચી ગયું હતું. અમેરિકનો આજે પણ અમેરિકાની અખંડતા વિશે ચિંતિત છે. માટે જેમ ચાલે છે એમ ચાલવા દો. જ્યાં સુધી લોકતંત્ર કામ કરે છે અને દુનિયા છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. ભારતની બાબતમાં પણ આવુ જ બન્યું. ભારતનાં લોકતંત્રને કામ કરતા લોકતંત્ર તરીકે ઓળખવામાં આવે છે.
નિયમિત ચુંટણીઓ યોજાય છે. ન્યાયતંત્ર બોજાગ્રસ્ત અને લકવાગ્રસ્ત હોવા છતાં એકંદરે સ્વતંત્ર છે, મીડિયા ભ્રષ્ટ હોવા છતાં મુક્ત છે વગેરે વાતનો સધિયારો હતો. સધિયારો બંધારણના સ્વરૂપ અંગે પણ હતો. એમાં ચેક એન્ડ બેલેન્સની પાકી વ્યવસ્થા છે એટલે કોઇ ઈચ્છે તો પણ જમણે કે ડાબે અંતિમે જઈ શકે એમ નથી. સધિયારો ભારતીય સમાજના સ્વરૂપ વિશે પણ હતો. આ દેશ અનેક પ્રકારની બહુવિધતા ધરાવે છે એટલે કોઇ એક પ્રજા ઈચ્છે તો પણ બીજી પ્રજા ઉપર દાદાગીરી કરી શકે એમ નથી. બહુ બહુ તો ધોલધપાટ કરી લે પણ ચુંટણી ટાણે મત મેળવવા દુશ્મનને બાપ બનાવવો પડે. આમ સધિયારો સંસદીય લોકતંત્ર પર પણ હતો.
ટૂંકમાં ભારતમાં લોકતંત્ર ચાલી રહ્યું હતું એટલે તેની ગુણવત્તા વિશે ઝાઝી ચિંતા આપણે કરી નહોતી. ધીરેધીરે લોકતંત્ર અંદરથી ખોખલું થતું ગયું. એ એટલું ખોખલું છે કે બહુમતી રાષ્ટ્રવાદીઓ સામે તે જોઇએ એવી ઝીંક ઝીલી શકતું નથી. જજો અને મીડિયા પાણીમાં બેસી ગયા છે. રાજકીય પક્ષો અને તેના નેતાઓ કાં ડરવું પડે એટલા ભ્રષ્ટ છે કાં બિકાઉ લાલચી છે. સંસદમાં ભાગ્યે જ કોઈ કામકાજ થાય છે. ચૂંટણીપંચ તેની સ્વતંત્રતા ગુમાવી રહ્યું છે. લોકો મતદાતા છે નાગરિક શું કહેવાય અને નાગરિકધર્મ શું કહેવાય એ જાણતો નથી. ઉચ્ચશિક્ષા વિભૂષિત ભારતીય ભણેલો હોવા છતાં અભણ ધોયેલા મૂળા જેવો છે.
એવું નથી કે ભારતીય લોકતંત્રની આ મર્યાદા વિશે કોઈએ ધ્યાન નહોતું દોર્યું. 1967થી ધ્યાન દોરવામાં આવતું હતું પણ ચાલે છે ને એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી એમ વિચારીને દુર્લક્ષ કર્યું હતું. એક સાંત્વન આપતી થિયરી એવી પણ હતી કે ગરીબ અને વિકાસશીલ દેશોમાં ગુણવત્તાવાળા લોકતંત્ર માટેની અપેક્ષા વધારે પડતી છે. આ સિવાય ભારત બ્રિટિશ સંસ્થાન હતું જેમાં એટલી હદે શોષણ કરવામાં આવ્યું હતું કે પ્રજાએ ચેતના ગુમાવી દીધી હતી. ગરીબ શોષિત પ્રજા પાસે યુરોપના લોકતંત્ર જેવી અપેક્ષા વધારે પડતી છે.
દેશને ગુણવત્તાવાન પરિપકવ લોકતંત્ર માટે સમય આપવો જોઈએ. ઓછામાં પૂરું આટલી બધી સમસ્યાઓ અને પડકારો છતાંય ભારતીય લોકતંત્ર ટકી રહ્યું છે અને કામ પણ કરે છે એ વાતે વિશ્વના દેશો ભારતને શાબાશી આપતા હતા. આમ ભારતીય લોકતંત્રમાંની ખામીઓનો સમયસર ઈલાજ કરવામાં આવ્યો નહીં. કેટલાક પડકારો ખરેખર સાચા હતા અને સમય આપવો પડે એવા હતા. પણ કેટલાક એવા હતા જેમાં તાત્કાલિક ઈલાજ થઈ શકતો હતો અને થવો જોઇતો હતો. દાખલા તરીકે ન્યાયતંત્ર. ન્યાયતંત્રને જાણીબૂઝીને બીજા હેઠળ રાખવામાં આવ્યું છે.
તેમાં જાણીબૂઝીને સુધારા કરવામાં નથી આવ્યા. ન્યાયતંત્ર તંદુરસ્ત હોય તો અનીતિ અને ભ્રષ્ટાચાર કરવો મુશ્કેલ બને. સંસદ ખરેખર કામ કરે તો ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડે. તો બન્યું એવું કે વિકસતા લોકતંત્રને વિકસાવવા માટે જે અનુકૂળતા હોવી જોઇએ એ તેને આપવામાં ન આવી અને ઊલટું અનુકૂળતા આપનારી લોકશાહી સંસ્થાઓને કુંઠિત કરવામાં આવી. તો વાતનો સાર એ કે કોઈ પણ બીમારીનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો આવું થાય. કાળાં વાદળની રૂપેરી કોર એ છે ભારત અને અમેરિકામાં જાગૃત નાગરિક સમાજ લોકતંત્ર બચાવવા
મેદાનમાં ઊતર્યો
છે.